કોરોના સંક્રમણને લીધે લોકડાઉન જાહેર કરાયું તે પહેલાં એટલે કે 22 માર્ચથી એસ.ટી.બસ સેવા બંધ કરાઇ હતી. એ પછી 20 મેથી હંગામી ધોરણે સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી ફક્ત ઝોન વાઇસ બસ સેવા ચાલુ કરાઇ હતી. ત્યાર બાદ અનલોક 1માં થોડી વધુ છૂટછાટ મળતા 1 જુનથી રાજ્યભરમાં કન્ટેનમેન્ટ અને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ સેવા ચાલુ કરી દેવામાં આવી હતી.
હવે અનલોક 2માં રાત્રિ દરમિયાન એક્સપ્રેસ બસ સેવા પણ ચાલુ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. આ માટે નિગમ દ્વારા પાઠવાયેલા પરિપત્ર મુજબ એક્સપ્રેસ , સ્લીપર અને ગુર્જર નગરી બસો 1 જુલાઇથી દોડતી થઇ જશે. જિલ્લા-તાલુકાને જોડતી પોઇન્ટ-ટુ-પોઇન્ટ લોકલ સર્વિસ બસોનું સંચાલન હાથ ધરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં બસોનું સંચાલન હાલ પૂરતું બંધ રખાશે.
તમામ એક્સપ્રેસ બસોને ઓપીઆરએસમાં ઓનલાઇન બુકિંગ માટે ફરજિયાતપણે મૂકવાની પણ સુચના આપી દેવામાં આવી છે. એક્સપ્રેસ બસો પોઇન્ટ-ટુ-પોઇન્ટ , ડેપો-ટુ-ડેપો જ ઉપડશે. સસ્તામાં ઉભી રહેશે નહીં પણ મોટા પીકઅપ પોઇન્ટ પર ઉભી રખાશે. સ્ટેશનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ ગન ચેકિંગ અને માસ્ક પહેરવા સહિતની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.