કોરોના વાયરસ સંક્રમણ મામલે આરોગ્ય વિભાગના અગ્રસચિવ જંયતિ રવીએ હાઈકોર્ટમાં સોગંદનાનું રજૂ કર્યું છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુસાફરી કરનારા તંદુરસ્ત વ્યક્તિને RTPCR ટેસ્ટ કરાવવાની જરૂરિયાત નહીં હોવાની ICMRની નવી ગાઈડ લાઈન આવી હોવાની કોર્ટને જાણ કરાઈ.


જયંતિ રવિએ આગામી સમયમાં 1600 મેટ્રિક ટન ઑક્સિજનની જરૂરિયાત ઉભી થશે તેવું  પ્રોજેક્શન પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલ 975 મેટ્રિક ટન ઑક્સિજન કેંદ્ર સરકાર તરફથી આવે છે. સાથે જણાવ્યું કે, વૈકલ્પિક સ્ત્રોત પાસેથી પણ ઑક્સિજન ઉપલબ્ધ કરાવવા કામગીરી ચાલુ છે.


કેંદ્ર સરકાર ગુજરાતને 16 મે સુધીમાં રોજના 16 હજાર 500 રેમડેસિવિર ઈંજેક્શન આપશે. 26 યુનિવર્સિટીમાં RTPCR ટેસ્ટ બાબતે રાજ્ય સરકારે સ્વીકાર કર્યો અને કહ્યુ, 5 યુનિવર્સિટીમાં ટેસ્ટિંગની સુવિધા ઉભી થઈ શકે તેમ નથી અન્ય 7 યુનિવર્સિટીમાંથી RTPCR મશીન અન્યત્ર જગ્યાએ ખસેડી ટેસ્ટિંગની કામગીરી જલ્દી શરૂ કરાશે. બાકીની યુનિવર્સિટીમાં પણ ઝડપી ટેસ્ટીંગ માટે તાકીદ કરાઈ છે. આ સિવાય પણ કોરોનાની ચેઈન તોડવા માટે કરાયેલા વધારાના નિયંત્રણોની પણ કોર્ટને જાણ કરવામાં આવી.


ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ હાલ સ્થિર છે.   છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં  ઘટાડો જોવા મળી રહ્યો છે. સંભવિત ત્રીજી લહેર સામે સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેમના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ ભાગ લીધો હતો.


આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે કોરોનાને જરાય હળવાશથી ન લેવા સલાહ આપી છે. અને સરકાર કોવિડને હરાવવા તમામ પ્રયાસો કરી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા સરકાર સજ્જ છે. બીજી લહેરમાં સપ્તાહથી ઘટાડો થયો હોવાનો મુખ્યમંત્રી રુપાણીનો દાવો. ટાસ્ક ફોર્સના તબીબો સાથે સારવાર, દવાઓ, અને આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આગોતરા આયોજનની ચર્ચા કરાઈ છે.


આ બેઠકમાં ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ કે દાસ તથા અન્ય વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.