Gujarat High Court crop insurance dispute: વર્ષ 2017 અને 2018માં ભારે વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. પાક વીમા યોજના હેઠળ વળતર મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા સર્વેક્ષણને ગુજરાત હાઈકોર્ટે આજે ગેરમાર્ગે દોરનારું અને ખેડૂતોને અન્યાય કરનારું ગણાવીને નકારી કાઢ્યું છે.


ખેડૂતોની વેદના


2017 અને 2018ના ભારે વરસાદ બાદ પણ વીમા કંપનીઓ દ્વારા વળતર ચૂકવવામાં વિલંબ કરવામાં આવી રહ્યો હતો. આનાથી કંટાળીને 2019માં ખેડૂતોએ હાઈકોર્ટનો દરવાજો ખખટાવ્યો હતો. ખેડૂતોની રજૂઆત હતી કે, યોગ્ય સર્વેક્ષણના અભાવે તેમને પાક વીમાના પૈસા મળી રહ્યા નથી, જેના કારણે તેઓ ખેતીના ધંધામાં આગળ વધી શકતા નથી.


સરકારી રિપોર્ટ નકાર્યો


આ વર્ષે માર્ચ મહિનામાં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, 3 લાખ, 70 હજાર ખેડૂતોમાંથી 15 હજાર ખેડૂતોને હજુ સુધી વળતર મળ્યું નથી. આ 15 હજાર ખેડૂતોની વિગતો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.


હાઈકોર્ટનો આદેશ


આજની સુનાવણીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા બનાવેલી સમિતિ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટને એકપક્ષીય અને ખેડૂતોને પૂરતી તક આપ્યા વિના બનાવવામાં આવેલો ગણાવીને તેને નકારી કાઢ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને નવા સર્વેક્ષણ દ્વારા યોગ્ય રિપોર્ટ તૈયાર કરીને રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 26 જુલાઈના રોજ યોજાશે.


પાલ આંબલિયાએ શું કહ્યું....


પાલભાઈએ જણાવ્યું કે, છેલ્લા 8 વર્ષથી અમો જે અવાજ ઉઠાવતા હતા એ વાત આજે હાઇકોર્ટે સાચી ઠેરવી છે.  પાકવીમાં બાબતે હાઈકોર્ટે ગુજરાત સરકારને આ બીજી વખત ઝાટકણી કાઢી છે.  આ જ મુદ્દે અગાઉ પણ હાઇકોર્ટે સરકારને એલિયન સાથે સરખાવી હતી.  સરકાર કાયમી ખેડૂતોના ભોગે ખાનગી પાકવીમાં કંપનીઓને બચાવવા પ્રયત્ન કરતી રહી છે. સરકારે ગાઈડ લાઈન ઉપરવટ જઈને ટેકનીકલ કમિટી બનાવી છે.   આ ટેકનીકલ કમિટીએ વીમા કંપનીને બચાવવા પાકવીમાંના આંકડાઓ બદલાવ્યા છે. આંકડા બદલવાની વાત સરકારે સોગંદનામું રજૂ કર્યું એમાં સ્વીકાર કર્યો છે.   સોગંદનામાંમા ટેકનીકલ કમિટી બનાવવાનો પણ સરકારે સ્વીકાર કર્યો છે.   ત્યારે સવાલ એ છે કે સરકાર ખેડૂતો માટે છે કે ખાનગી કંપનીઓ માટે. સરકારે ખેડૂતોએ ભરેલ પ્રીમિયમ પેટે પાકવિમો આપવો જોઈએ કે ખાનગી પાકવીમાં કંપનીઓને બચાવવી જોઈએ ?


સમિતિએ યોગ્ય સર્વે ન કર્યો હોવાનું હાઇકોર્ટે અવલોકન


રાજ્યમાં વર્ષ 2017-2018 માં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતગર્ત લાયકાત ધરાવતા ખેડૂતોને વળતર આપવા માટે સરકાર દ્વારા નિમાયેલી સમિતિએ યોગ્ય સર્વે ન કર્યો હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું છે.