Vadodara and Anand : રાજ્યમાં એક જ દિવસમાં પાણીમાં ડૂબી જવાની ત્રણ ઘટનાઓમાં 5 લોકોના મૃત્યુ થયા છે. આ ત્રણ ઘટનાઓમાં બે ઘટના વડોદરામાં બની છે, જ્યારે એક ઘટના આણંદમાં બની છે.


વડોદરા : ચાંદોદ ખાતે અસ્થિ વિસર્જન કરવા જતા બે યુવાનોના ડૂબી જવાથી મોત 
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના ચાંદોદ ગામે ગોધરાના સોલંકી પરિવાર બે યુવાનોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. આ પરિવાર ગોધરાથી દાદાના અસ્થિ વિસર્જન માટે ચાંદોદ આવ્યો હતો. અસ્થિ વિસર્જન કરતા  યુવાન ડૂબ્યો હતો, જેને બચાવવા અન્ય બે યુવાનો પાણીમાં પડ્યાં હતા. પહેલા યુવાનનો બચાવ થયો હતો, પણ પાછળથી તેને બચાવવા પાણીમાં પડેલા બંને યુવાનોના ડૂબી જવાથી મોત થયા છે. બે-બે યુવાનોના મોતથી સોલંકી પરિવાર માથે આભ તૂટ્યું છે. 


વડોદરા : પાદરામાં ઢાઢર નદીમાં યુવાન પડતા મગરે કર્યો શિકાર 
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સોખડારાઘુ ગામનો 30  વર્ષીય યુવાન  ઢાઢર નદીમાં પડ્યો હતો. આ યુવાન બહાર નીકળે એ પહેલા જ એક મહાકાય મગરે તેનો શિકાર કર્યો હતો અને યુવાનનું મોત થયુ હતું. આ મગર  બે કલાક સુધી નદીમાં આ યુવાનના મૃતદેહને લઈને ફરી રહ્યો હતો. 


આણંદ : કેનાલમાં ડૂબી જવાથી યુવક-યુવતીનું મોત 
આણંદના  સંદેશર ગામેથી પસાર થતી કેનાલમાં ડૂબી જવાથી એક યુવક અને યુવતીનું મોત થયું છે. યુવતીના મૃતદેહને સ્થાનિકો દ્વારા ગત રાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો, જયારે યુવકનો મૃતદેહ આજે મળી આવ્યો હતો. 


એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યુવક અને યુવતી દશામાંની મૂર્તિ વિસર્જન કરી રહ્યાં હતા એ દરમિયાન અકસ્માતે ડૂબી ગયા હતા. જો કે આ બંને મૃતકોના પરિવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવા અને પોલીસ ફરિયાદ કરવાનો પણ ઇન્કાર કરી દીધો. મૃતકોના પરિવારોના વર્તન બાદ આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા એ અંગે સવાલો ઉભા થઇ રહ્યાં છે.