Gujarat Politics: લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં રાજકીય ભૂકંપ સર્જાવાના શરૂ થઈ ચૂક્યા છે. ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ રાજીનામું આપી વિસાવદરની બેઠક ખાલી કરી હતી. તો હવે મધ્ય ગુજરાતની એક બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપે તેવા સંકેત મળી રહ્યાં છે.


લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકની હેટ્રિક તે પણ દરેક બેઠક પાંચ લાખથી વધુ મતથી જીતવાનો સંકલ્પ પાર પાડવા ઓપરેશન લોટસ સોળે કળાએ ખિલ્યું છે અને ઠંડીની સિઝનમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે.


એબીપી અસ્મિતાને મળેલી જાણકારી મુજબ આજના મંગળવારનો દસથી બાર વાગ્યાનો સમય કૉંગ્રેસ માટે અમંગળ સાબિત થાય તેવી શક્યતા છે. કયા ધારાસભ્ય રાજીનામું આપવાના છે તેની જાણકારી હોવા છતા પણ રાજનીતિ જો અને તો સાથે જોડાયેલી હોય છે ત્યારે એબીપી અસ્મિતા હાલ તો આ નામ જાહેર નથી કરી રહ્યું. પરંતુ સત્તાવાર પુષ્ટી થતા જ તે નામ ચોક્કસથી આપને જાણવા મળશે.


ભૂપત ભાયાણીના રાજીનામા બાદ 182 બેઠકો વાળી વિધાનસભાનું સંખ્યાબળ ઘટીને 181 થયું છે. જે 31 ડિસેમ્બર પહેલા વધુ ઘટશે તે નિશ્ચિત જણાઈ રહ્યું છે.


નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ MLA પદેથી રાજીનામું આપ્યું હતું. ગુજરાતની આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું છે. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું હતું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.


ભૂપતભાઈ રાજીનામું આપી દેશે તેવા સંકેત એબીપી અસ્મિતાએ આજથી ઠીક 364 દિવસ અગાઉ આપ્યા હતા. એબીપી અસ્મિતાના કાર્યક્રમ હું તો બોલીશમાં ભાયાણીએ પરોક્ષ રીતે રાજીનામું આપવાની એટલુ જ નહીં ભાજપ સાથેના સંબંધોની પણ કરી હતી કબૂલાત. 11 ડિસેમ્બર એ દિવસ હતો જ્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથ ગ્રહણનો બીજો દિવસ હતો. જો કે ત્યારે ભાયાણીએ પત્રકાર પરિષદ કરી હતી. અને યુ-ટર્ન લઈને ઘીના ઠામમાં ઘી ઠર્યું હતું.


ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.