Gujarat Population Census 2027: ભારતમાં છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી, હવે 16 વર્ષના લાંબા અંતરાલ બાદ 'વસ્તી ગણતરી 2027' ની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આ ગણતરી બે તબક્કામાં હાથ ધરાશે, જેમાં પ્રથમ તબક્કાની શરૂઆત મકાન અને ઘરયાદી ગણતરીથી થશે. જો તમે તમારી માહિતી ગુપ્ત રાખવા માંગતા હોવ અથવા ગણતરીદાર ઘરે આવે ત્યારે સમય બચાવવા માંગતા હોવ, તો 17 મેથી તમે ઘરે બેઠા ઓનલાઈન ‘સેલ્ફ સેન્સસ’ (સ્વ-ગણતરી) કરી શકશો. જ્યારે 1 જૂનથી 30 જૂન સુધી ડોર-ટુ-ડોર ગણતરી કરવામાં આવશે. બીજો તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ થશે જેમાં વ્યક્તિગત માહિતી મેળવાશે. આ સમગ્ર પ્રક્રિયા માટે રાજ્યભરમાં કુલ 1,10,000 અને માત્ર અમદાવાદમાં 11,600 જેટલા ગણતરીદારોની ફોજ મેદાનમાં ઉતરશે.

બે તબક્કામાં થશે કામગીરી:

પ્રથમ તબક્કો (મકાન અને ઘરયાદી): 1 જૂનથી 30 જૂન સુધી ચાલશે. આમાં તમારા ઘરની ભૌતિક સુવિધાઓ (જેમ કે ઇન્ટરનેટ, વાહન, પીવાનું પાણી, કેવું ધાન્ય ખાવ છો વગેરે) અંગેના 33 પ્રશ્નો પૂછવામાં આવશે.

Continues below advertisement
Continues below advertisement

બીજો તબક્કો (વ્યક્તિગત વસ્તી ગણતરી): આ તબક્કો ફેબ્રુઆરી 2027માં શરૂ થશે, જેમાં પરિવારના તમામ સભ્યોની વ્યક્તિગત વિગતો નોંધવામાં આવશે.

કઈ રીતે કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’ (ઓનલાઈન પ્રક્રિયા)?

ગુજરાતમાં ડિરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ દ્વારા 17 મેથી ડિજિટલ સ્વ-ગણતરીની સુવિધા શરૂ કરવામાં આવશે.

સૌથી પહેલા પરિવારના કોઈપણ એક સભ્યએ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી સેન્સસના પોર્ટલ પર લોગ-ઈન કરવાનું રહેશે.

ત્યારબાદ પોર્ટલમાં પૂછવામાં આવેલા ઘરની સુવિધાઓને લગતા 33 પ્રશ્નોના ઓનલાઈન જવાબ આપવાના રહેશે.

આ ફોર્મ સબમિટ કર્યા બાદ સિસ્ટમમાંથી એક યુનિક કોડ (નંબર) જનરેટ થશે.

1 જૂન પછી જ્યારે ગણતરીદાર તમારા ઘરે ડોર-ટુ-ડોર સરવે માટે આવે, ત્યારે તમારે ફક્ત આ જનરેટ થયેલો કોડ જ તેમને આપી દેવાનો રહેશે.

(નોંધ: જો તમે ઓનલાઈન માહિતી નથી ભરતા, તો ગણતરીદાર ઘરે આવીને આ 33 પ્રશ્નો પૂછીને મેન્યુઅલ ફોર્મ ભરશે.)

વસ્તી ગણતરી 2027: શું માહિતી આપવાની ના પાડી શકાય? જાણો ઈનકાર કરનાર માટે જેલ અને દંડના શું છે નિયમો

જાણો, તમને કયા 33 પ્રશ્નો પૂછવામાં આવશે?

જ્યારે ગણતરીકાર તમારા ઘરે આવશે અથવા તમે જાતે ઓનલાઈન ફોર્મ ભરશો, ત્યારે નીચે મુજબના 33 સવાલોના જવાબ આપવાના રહેશે:

મકાન નંબર અથવા વસ્તી ગણતરી નંબર

ઘર નંબર

ઘરના ફ્લોરિંગ (માળ) માટે વપરાયેલી સામગ્રી (સિમેન્ટ, ગ્રેનાઈટ, માર્બલ વગેરે)

ઘરની દિવાલની સામગ્રી

ઘરની છતની સામગ્રી

ઘરનો ઉપયોગ કયા હેતુથી થાય છે? (રહેણાંક કે અન્ય)

ઘરની વર્તમાન સ્થિતિ

પરિવારના સભ્યોની કુલ સંખ્યા

પરિવારના વડાનું નામ

પરિવારના વડાનું લિંગ

જાતિ (સામાન્ય, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા OBC)

ઘરની માલિકીની સ્થિતિ (પોતાનું છે કે ભાડાનું)

ઘરમાં રહેલા રૂમની કુલ સંખ્યા

પરિવારમાં પરિણીત યુગલોની સંખ્યા

પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત (બોટલ વોટર કે અન્ય)

પીવાના પાણીની ઉપલબ્ધતા (ઘરમાં જ છે કે બહાર)

વીજળીનો મુખ્ય સ્ત્રોત

શૌચાલયની ઉપલબ્ધતા છે કે નહીં?

શૌચાલયનો પ્રકાર

ગટર અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા

બાથરૂમની ઉપલબ્ધતા

ઘરમાં ગેસ કનેક્શન છે કે નહીં?

રસોઈ બનાવવા માટે વપરાતું મુખ્ય બળતણ

રેડિયો અથવા ટ્રાન્ઝિસ્ટરની ઉપલબ્ધતા

ટીવીની ઉપલબ્ધતા

ઇન્ટરનેટ કનેક્શન (ઍક્સેસ) છે કે નહીં?

લેપટોપ અથવા કમ્પ્યુટરની ઉપલબ્ધતા

સામાન્ય ટેલિફોન (લેન્ડલાઈન)

મોબાઇલ અથવા સ્માર્ટફોન છે કે નહીં?

સાયકલ, સ્કૂટર અથવા મોટરસાઇકલની વિગત

કાર, જીપ અથવા વાન છે કે નહીં?

ખોરાકમાં વપરાતું મુખ્ય અનાજ (ધાન્ય) કયું છે?

સંપર્ક માટે તમારો મોબાઇલ નંબર

1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીનો આરંભ: 17 મેથી તમે ઘરે બેઠા જાતે જ 33 સવાલોના જવાબ નોંધાવી શકશો

વહીવટી તંત્રની તૈયારી:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્સસ ડિપાર્ટમેન્ટ દ્વારા 11,600 જેટલા ગણતરીદારોની નિમણૂક કરી દેવાઈ છે. જેમાં શિક્ષકો, અધ્યાપકો અને સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. દર 6 થી 7 ગણતરીદારો પર એક સુપરવાઈઝર રહેશે, આમ સુપરવાઈઝર સહિત અમદાવાદમાં કુલ 17,000 થી વધુ કર્મચારીઓ આ મહાઅભિયાનમાં જોડાશે.