Gujarat weather forecast today: ગુજરાતવાસીઓ માટે મેઘરાજાને લઈને એક મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યને ધમરોળનાર અતિભારે વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા નહિવત્ છે અને માત્ર હળવોથી મધ્યમ વરસાદ જ વરસી શકે છે. વરસાદની સિસ્ટમ નબળી પડી છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે હજુ પણ કેટલાક વિસ્તારો માટે એલર્ટ અને દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યા છે.
સિસ્ટમ નબળી પડી, છતાં 9 જિલ્લાઓમાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી જે 'વેલમાર્ક લો પ્રેશર' સિસ્ટમ સક્રિય હતી, તે હવે નબળી પડીને 'સાયક્લોનિક સર્ક્યુલેશન'માં ફેરવાઈ ગઈ છે. આ જ કારણસર વરસાદનું જોર ઘટ્યું છે. આમ છતાં, લો પ્રેશર અને મોનસૂન ટ્રફની અસર હજુ પણ આંશિક રીતે જોવા મળી રહી છે. આ સિસ્ટમ સક્રિય રહેતા આજે રાજ્યના કુલ 9 જિલ્લાઓમાં વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ આજના દિવસ પૂરતું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
માછીમારોને સૂચના અને બંદરો પર સિગ્નલ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની અને વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર સાબદું છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ દરિયામાં કરંટ જોતા મોટાભાગના બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
વાત કરીએ આ વખતની ચોમાસાની સિઝનની, તો મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસ્યા છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતા 21 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખેડૂતો માટે પણ આ સારો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ અને તેના આસપાસના પંથકમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સતત ત્રીજા દિવસે રાજકોટ શહેર, જેતપુર અને ધોરાજીમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબકવાના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની અને વાહનવ્યવહાર પ્રભાવિત થવાની ઘટનાઓ સામે આવી છે. જોકે, આ જબરદસ્ત વરસાદને પગલે રાજકોટનો લાલપરી ડેમ અને ધોરાજીનો ભાદર-2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સલામતીના ભાગરૂપે નદીમાં પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત પણ કરી દેવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં જળબંબાકારની સ્થિતિ અને પોપટપરા અંડરપાસ બંધરાજકોટ શહેરમાં વહેલી સવારથી જ આકાશમાં કાળાડિબાંગ વાદળો ગોરંભાયા હતા અને જોરદાર વરસાદી ઝાપટા પડવાનું શરૂ થઈ ગયું હતું. ગોંડલ રોડ, ઢેબર રોડ અને યાજ્ઞિક રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાએ સારી એવી બેટિંગ કરી છે. આંકડાકીય માહિતી મુજબ, આજે બપોરે 3 વાગ્યા સુધીમાં રાજકોટના વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 6 ઇંચ, સેન્ટ્રલ ઝોનમાં 1.25 ઇંચ (સવા ઇંચ) અને પૂર્વ ઝોનમાં 0.75 ઇંચ (પોણો ઇંચ) જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
આ પણ વાંચોઃ સુરત જિલ્લામાં આભ ફાટ્યું: 24 કલાકમાં 24 ઈંચ વરસાદથી જળપ્રલય, આ વિસ્તારો પાણીમાં ગરકાવ
