Unesco Heritage List:  યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની અસ્થાયી યાદીમાં ભારતના 3 સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં મોઢેરાનું સૂર્ય મંદિર, ગુજરાતનું ઐતિહાસિક વડનગર શહેર (PM મોદીનું જન્મસ્થળ) અને ત્રિપુરામાં ઉનાકોટીની શિલ્પોનો સમાવેશ થાય છે. આ માહિતી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા આપવામાં આવી છે.






કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડીએ યુનેસ્કોની યાદી માટે સતત વધુ સ્મારકો અને સ્થળોની ઓળખ કરવા બદલ ASIને અભિનંદન પાઠવ્યા હતા. ટ્વિટર પર તેમને અભિનંદન આપતાં તેમણે કહ્યું, "અભિનંદન ભારત! ભારતે યુનેસ્કોની અસ્થાયી યાદીમાં વધુ 3 સાઇટનો ઉમેરો કર્યો છે. પ્રથમ સ્થળ ગુજરાતનું ઐતિહાસિક વડનગર બહુસ્તરીય શહેર, બીજું સ્થળ મોઢેરાનું સૂર્ય મંદિર અને ત્રીજું સ્થળ ત્રિપુરામાં ઉનાકોટીના પહાડોમાં કોતરણી કરીને બનાવેલી મૂર્તિઓનો સમાવેશ થાય છે.


યુનેસ્કોની અસ્થાયી વિરાસત લિસ્ટ એ સંપત્તિઓનું લિસ્ટ છે જેના પર તમામ રાજ્યની સરકારો નામાંકન માટે વિચાર કરવા માંગે છે. જો કે, કોઈપણ સાંસ્કૃતિક, પ્રાકૃતિક અથવા મિશ્ર હેરિટેજ સાઇટને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સમાવિષ્ટ કરવા માટે અસ્થાયી યાદીમાં સાઇટનો ઉમેરો કરવો આવશ્યક શરત છે. અસ્થાયી યાદીમાં તેનું સ્થાન એ વાતની ગેરન્ટી નથી આપતુ કે તેને લિસ્ટમાં સામેલ કરવામાં આવશે.


પૌરાણિક વડનગર શહેર અને મોઢેરાના સૂર્ય મંદિરનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયો છે. કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી જી. કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. ગુજરાતની આગવી ઓળખ ગણાતું મોઢેરાનું સૂર્યમંદિર સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ બેનમૂન ગણાય છે. જ્યારે ઐતિહાસિક વડનગર શહેર 8મી સદીમાં બંધાયું હોવાનું માનવામાં આવે છે. ત્યારે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં ભારતની વધુ ત્રણ સાઈટને હંગામી યાદીમાં સમાવેશ કર્યો છે.  ત્રિપુરા રાજ્યની ઉનાકોટી સાઈટની સાથે રાજ્યના મહેસાણા જિલ્લાના બે પ્રવાસન સ્થળનો સમાવેશ કરાયો છે. મહેસાણા જિલ્લામાંથી પસાર થતા કર્કવૃત પર સૂર્યમંદિર આવેલું હોવાથી સૂર્યનું પ્રથમ કિરણ સૂર્યમંદિરમાં પ્રવેશે છે. દર વર્ષે યોજાતા શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ એવા ઉત્તરાર્ધ મહોત્સવના કારણે સૂર્યમંદિરની ખ્યાતિ દેશ- વિદેશમાં પ્રસરી છે. તેવી જ રીતે વડનગર શહેર સૌથી પુરાણુ શહેર ગણાય છે. વડનગર શહેર અને તેની આસપાસમાં પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન કરાતા પ્રાચીન બૌદ્ધ સ્તુપો મળી આવ્યા હતા.  જેથી વડનગર શહેર બૌદ્ધ ધર્મના અનુયાયીઓ ઉપરાંત પ્રાચીન નગરોનું સંશોધન કરતા ઈતિહાસકારો માટે વિષય બની ગયું છે.