Gujarat Rain Forecast: નૈઋત્યનું ચોમાસું સક્રિય બનતા રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ છે અને હજુ પણ આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના અનુસાર, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે. સાથે 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.


આજે 18 જીલ્લામાં વરસાદની આગાહી


આજે પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, રાજકોટ, સુરેંદ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ વડોદરા, સુરત અને વલસાડમાં વરસશે વરસાદ.


હવામાન વિભાગની આગામી ત્રણ કલાક માટે આગાહી


આગામી ત્રણ કલાકમાં ભારે પવન સાથે ગાજ વીજ સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે સામાન્ય વરસાદની આગાહી બોટાદ સુરેન્દ્રનગર સુરત દમન નવસારી ભરૂચ ગામ તાપી દાદરા નગર હવેલીમાં છે.


ખાસ કરીને દ્વારકા જિલ્લાનો ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે. આ સાથે જ ખંભાળિયામાં પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5 ટકા વરસાદ પડી ગયો છે.


પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. ભાણવડમાં 2.5 ઇંચ, રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.


જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, કોટડાસાંગાણી, વિંછીયા, મોરબી, પડધરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટાં પડ્યા હતા.


આજે બપોરે એક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ રાત્રે પાંચ વાગ્યા સુધી અવિરત રહ્યો હતો, જેના કારણે ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો હતો.


સૌથી વધુ વરસાદ બપોરે 2 થી 4 દરમિયાન પડ્યો હતો, જ્યારે 5 ઇંચ જેટલું પાણી એકસાથે વરસ્યું હતું. આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.


આ પછી પણ વધુ 2 ઇંચ વરસાદ પડ્યો હતો, જેથી ગતરાત્રીથી અત્યાર સુધીમાં ખંભાળિયામાં કુલ 10 ઇંચ વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચોઃ


ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 10 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર!