Deputy CM Harsh Sanghvi: ગુજરાતના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પદભાર સંભાળતાની સાથે જ તેમના હસ્તકના વિભાગો સાથેની પ્રથમ બેઠકમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નિગમના 36,000 થી વધુ કર્મચારીઓને હવે તહેવાર પેશગી એડવાન્સ ની રકમમાં બમણો વધારો કરીને ₹10,000 આપવામાં આવશે. અગાઉ, આ પેશગી માત્ર ફિક્સ પગાર ના કર્મચારીઓને જ ₹5,000 સુધી મળતી હતી. સંઘવીએ નિર્ણયનો વ્યાપ વધારીને નિગમના તમામ કર્મચારીઓને આ લાભ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, તેમણે 26મીથી 30મી ઑક્ટોબર દરમિયાન તમામ RTO કચેરીઓ અને ST બસ સ્ટેશનો પર સ્વચ્છતા અને જળ બચાવો સ્પેશ્યલ ડ્રાઇવ યોજવાનો પણ નિર્ણય કર્યો છે.
તહેવાર પેશગીમાં બમણો વધારો: 36,000 કર્મચારીઓને મોટી રાહત
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના કાર્યકાળના પ્રારંભે જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ના કર્મચારીઓ માટે તેમના હિતમાં એક સંવેદનશીલ અને મહત્ત્વનો નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે. પદભાર સંભાળ્યા બાદ GSRTC ના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી પ્રથમ બેઠકમાં તેમણે નિગમના 36,000 થી વધુ મહેનતુ કર્મચારીઓ માટે તહેવાર પેશગીની રકમ વધારવાનો અને તેના લાભનો વ્યાપ વધારવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય અંતર્ગત, GSRTC ના તમામ કર્મચારીઓને હવે ₹10,000 'તહેવાર પેશગી એડવાન્સ' તરીકે આપવામાં આવશે. અગાઉ આ પેશગી માત્ર ફિક્સ પગાર પર કામ કરતા કર્મચારીઓને જ ₹5,000 સુધી મળતી હતી. નાયબ મુખ્યમંત્રીએ પ્રથમ બેઠકમાં જ પેશગીની રકમમાં બમણો વધારો કરીને આ લાભ તમામ કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એવા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત લઈને આવ્યો છે, જેઓ રાજ્યના નાગરિકોને સમયસર અને સુદૃઢ પરિવહન વ્યવસ્થા પૂરી પાડવા માટે રાત-દિવસ કાર્ય કરે છે.
સ્વચ્છતા અને જળ બચાવો અભિયાનનો પણ પ્રારંભ
કર્મચારીઓના કલ્યાણની સાથે સાથે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વચ્છતા અને જળ સંરક્ષણની દિશામાં પણ એક મહત્ત્વનું પગલું ભર્યું છે. તેમણે તારીખ 26મીથી 30મી ઑક્ટોબર દરમિયાન સ્વચ્છતા અને જળ બચાવો ઝુંબેશ અંતર્ગત રાજ્યની તમામ RTO કચેરીઓ તેમજ તમામ ST બસ સ્ટેશનો પર એક ખાસ ડ્રાઇવ યોજવાનો નિર્ણય લીધો છે. આ ડ્રાઇવમાં મુખ્યત્વે લીકેજ નળની મરામતની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરીને જળ બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય સરકારી કચેરીઓ અને જાહેર પરિવહનના સ્થળો પર સ્વચ્છતા અને સંસાધનોના સંરક્ષણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.