Heart Attack: હાર્ટ એટેક ગુજરાતમાં એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા બની રહી છે. છેલ્લા થોડા સમયથી હાર્ટ એટેકથી થનારા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 25થી 45 ઉંમરના યુવાનોમાં પણ હાર્ટ એટેકના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. ગીર સોમનાથમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થતાં પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે. ગાભા ગામના નિકુંજ પરમારનું હાર્ટ એટેકથી મોત થતાં ગામમાં હાહાકાર મચી ગયો છે.


નવરાત્રિમાં 108ને હાર્ટએટેક સંબંધિત 450થી વધુ કોલ મળ્યા


નવરાત્રિમાં અત્યાર સુધી 473 લોકોને હાર્ટ એટેક સંબંધિત હોવાની ફરિયાદ મળી છે. પહેલા નોરતાથી આઠમા નોરતા દરમિયાન સાંજના 6થી રાત્રિના 2 વાગ્યા સુધી 108ને 473 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે. પ્રથમ નોરતે 73, બીજા નોરતે 92, ત્રીજા નોરતે 69 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા છે. ચોથા નોરતે 109, પાંચમા નોરતે 102, છઠ્ઠા નોરતે 76 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. સાતમા નોરતે 70 અને આઠમા નોરતે 82 કાર્ડિયાક સંબંધિત કોલ 108ને મળ્યા હતા. નવરાત્રિ દરમિયાન 108ને રાજ્ય ભરમાંથી રોજ સરેરાશ 84 કાર્ડિયાક સંબંધિત કોલ મળ્યા છે.




રાજ્યમાં ઠેર ઠેર નવરાત્રિની ધૂમ ચાલી રહી છે, આજે નવમું નોરતુ છે અને નવરાત્રિ અંતિમ દિવસોમાં છે, ત્યારે આ બધાની વચ્ચે આ વખતે હાર્ટ એટેકના કેસોથી લોકોમાં ચિંતા વધી છે. આ વખતે નવરાત્રિમાં હાર્ટ એટેક અને હ્રદયને લગતી બિમારીઓના કેસોમાં ઝડપથી વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને ખેલૈયાઓમાં આ તકલીફો વધી રહી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસમાં હાર્ટ એટેકના 10થી વધુ કેસો નોંધાયા છે.  મળતી માહિતી પ્રમાણે, નવરાત્રિ દરમિયાન અમદાવાદમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસમાં 10થી વધુના હાર્ટ એટેકના કેસોથી મૃત્યુના સમાચારો સામે આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં ગરબા વખતે હૃદયની સમસ્યાના સરેરાશ 84 કેસો આ વખતે નોંધાયા છે. 


આજકાલ હાર્ટ એટેક એક સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ જે ઉંમરે તેનું જોખમ વધી ગયું છે તે ખૂબ જ પરેશાન કરનાર અને આશ્ચર્યજનક છે. લોકોને ખૂબ જ નાની ઉંમરે હાર્ટ એટેક આવે છે. અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે. હાલમાં જ ઘણા વીડિયો વાયરલ થયા હતા, જેમાં કોઈનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું તો કોઈનું લગ્નમાં ડાન્સ કરતી વખતે મૃત્યુ થયું હતું.