સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો હવે ચેતી જજો. હવે આભમાંથી અગનવર્ષા વરસશે. આ આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં જ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લામાં હીટ વેવની આગાહી કરી છે.


ભાવનગર, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચી શકે છે. આ આગાહી વચ્ચે જ સોમવારના રાજ્યના 6 શહેરમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો હતો.


બનાસકાંઠાનું ડીસા 38.7 ડિગ્રી સાથે સૌથી હોટેસ્ટ શહેર રહ્યું છે. તો ભાવનગરના મહુવામાં 38.6, ભુજમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ અને રાજકોટમાં તાપમાન 38.3 ડિગ્રી નોંધાયું છે.


હવામાન ખાતા અને એ પહેલા આરોગ્ય તંત્રએ જણાવ્યા અનુસાર હીટવેવથી બચવા (૧) લોકોએ  પર્યાપ્ત માત્રામાં પાણી પીવું. (૨) ભારે,તળેલા ખોરાકને બદલે સાદો ખોરાક લેવો (૩) સુતરાઉના હલકાં કપડાં પહેરવા (૪) વૃધ્ધો અને બાળકો, બિમારોએ તડકાંમાં બહાર નીકળવાનું ટાળવું અને અન્ય લોકોએ પણ બહાર નીકળવું પડે તો માથુ ટોપી,દુપટ્ટા,રૂમાલ,છત્રી વગેરેથી અવશ્ય ઢાંકવું વગેરે પગલા લેવા અપીલ કરાઈ છે.


હજુ તો હોળી-ધુળેટી બાકી છે અને સૌરાષ્ટ્રમાં પ્રસિધ્ધ વાયકા સદીઓથી છે કે હોળી તાપ્યા પછી ઠંડી વિદાય લે પણ આ રીતે ઠંડીની વિદાય પહેલા જ ઉનાળો આકરો થયો છે.