ગાંધીનગર: રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  હવામાન વિભાગના મતે સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.  સુરત ,ડાંગ, નવસારી, વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે.  શનિવારે વડોદરા, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.  


રાજ્યમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો 


ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 115.5 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 162.53 ટકા વરસાદ વરસ્યો છે.  સૌરાષ્ટ્ર ઝોનમાં 120.57 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં સરેરાશ 96.40 ટકા વરસાદ વરસ્યો છે.   


સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ


આજે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે.  શિવાજી નગર, અમૃત નગર, વૈભવ પાર્ક કોમ્પ્લેક્ષ જવાના રસ્તા પર પાણી ભરાયા હતા.  રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા.  વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 


શું નવરાત્રિમાં વરસાદ વરસશે ? જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી


ઓગસ્ટ બાદ  સપ્ટેમ્બરમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદારક એન્ટ્રી કરતા સૂકાઇ રહેલા પાકને જીવતદાન મળી ગયું છે. ઓક્ટોબર મહિનામાં વરસાદની શું સ્થિતિ રહેશે તેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. 15ઓક્ટોબરની નવરાત્રિ શરૂ થઇ રહી છે. રાજ્યમાં હાલ નવરાત્રિને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. નવરાત્રિ માટે ગરબા ક્લાસિસમાં પણ ખૈલૈયા અવનવા સ્ટેપ સાથે રમવા માટે પ્રેકટિસ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં ખૈલેયાને ચિંતા સતાવી રહી છે કે શું નવરાત્રિ સમયે વરસાદ વિઘ્નરૂપ બનશે અંબાલાલે ઓક્ટોબરમાં ખાસ કરીને નવરાત્રિમાં વરસાદની સ્થિતિને લઇને આગાહી કરી છે.        


હવામાન  નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,  બંગાળના ઉપસગાર અને અરબસાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા 26 સપ્ટેમ્બરથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ શકે છે. ખાસ કરીને 2જી ઓક્ટોબરથી વરસાદનું જોર થોડું વધી શકે છે. જે સ્થિતિ 18 ઓક્ટોબર સુધી રહી શકે છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ નવરાત્રિમાં મધ્યમથી ભારે વરસાદ કેટલાક જિલ્લામાં પડી શકે છે તો આ વર્ષે દિવાળીમાં પણ વરસાદ વિઘ્નરૂપ બની શકે છે.