અમદાવાદ: ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે.


આજે નર્મદા,તાપી,સુરત,નવસારી,ડાંગ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી,અમરેલી,ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે તો બીજી બાજુ માવઠાનું જોર વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શુક્રવારે સાંજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


હાલ રાજ્યમાં કન્વેક્ટિવ એક્ટિવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આના કારણે ગુજરાતમાં પાંચ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં શુક્રવારે લઘુતમ તાપમાન 25.4 નોંધાયું જે સામાન્ય 4.5 ડિગ્રી વધુ છે. મહત્તમ તાપમાન 37.4 જે સામાન્ય તાપમાન કરતા 1.05 ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદ શહેરમાં વાદયછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.  


મધ્ય ગુજરાતના ચાર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના કેટલાક સ્થળો પર આજે વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.


સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં આજે હવામાન વિભાગે  વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લો થયા તેની વાત કરીએ તો રાજ્યના 207 પૈકી 139 જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 106 ડેમ, મધ્ય ગુજરાતના 15 ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યા છે,  જ્યારે દક્ષિણ ગુજરાતના 12 અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના 185 જળાશયો 90 ટકાથી વધુ ભરાયેલા 163 ડેમ હાઈએલર્ટ, જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર છે.  તો 70થી 80 ટકા ભરાયેલા 12 ડેમ વોર્નિંગ પર છે. 


Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી