ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કચ્છ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શુક્રવારથી વરસાદનું જોર ઘટવાનું અનુમાન છે. સિઝનનો 110 ટકા વરસાદ ગુજરાતમાં વરસ્યો છે. આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે મંગળવારે કચ્છ,જામનગર,પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ આપ્યું છે. જ્યારે કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

  




બુધવારને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે રાજસ્થાનમાં પ્રેશર સર્જાયું છે જે ઉત્તરીય ભાગમાં આગળ વધ્યું છે જેના કારણે તેની અસર ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં અને કચ્છમાં જોવા મળશે.અમદાવાદમાં આગામી બે દિવસ વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડવાની શક્યતાઓ છે. ગુરુવારે કચ્છ,મોરબીમાં રેડ એલર્ટ અને બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવારથી પ્રેશરની અસર ઓછી થતા વરસાદનું પ્રમાણ ઘટવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.


કચ્છ જિલ્લામાં અવિરત વરસાદથી મગફળી-કપાસના પાકને ભારે નુકસાન


કચ્છ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે.  પરંતુ અમુક સ્થળે અવિરત ધોધમાર વરસાદથી ખેડૂતોના પાકને નુક્સાન થયું છે. રતનાલ ગામના ખેડૂતોના તૈયાર મગફળીના પાક પર પાણી ફરી વળ્યા છે. સાથે જ કપાસના પાકને પણ નુક્સાન થયું છે. રાપર તાલુકામાં ખેતરમાં ઘુંટણ સમા પાણી ભરાઈ જતાં કપાસના પાકને નુકસાનની શક્યતા છે. રવેચી ગામે ભારે વરસાદથી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે ખેડૂતો ચિંતામા છે.


વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી


સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. આગાહી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાદરવા માસના  પ્રારંભથી   મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.