અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. બપોર પછી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. ઘાટલોડિયા, ગોતા, એસજી હાઈવે, નારોલ, નરોડા અને બાપુનગરમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનું શરુ થયું છે. અમદાવાદ શહેરના ચાર અંડરપાસ બંધ કરવામાં આવ્યા છે. ઉસ્માનપુરા, મિઠાખળી, કુબેરનગર અને અખબારનગર અંડરપાસને ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યા છે.  




શહેરના રાણીપ, વાડજ, શેલા, શિલજ, વૈષ્ણોદેવી, CTM, શિવરંજની, જીવરાજ, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.     


નવસારીમાં જળપ્રલય! 12 ઈંચ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ કમર સુધી પાણી ભરાયા


ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. આજે જુનાગઢમાં આભ ફાટ્યું છે જ્યાં જુઓ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. નવસારીમાં  12 ઈંચ વરસાદથી જળપ્રલયની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી શહેર અને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારી શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદથી નવસારીમાં જનજીવન પ્રભાવિત થયું છે.


બીજી તરફ નવસારી જલાલપોરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ખેરગામમાં સાડા છ ઈંચ વરસાદથી ચારે તરફ પાણી ભરાયા છે. ગણદેવીમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં  વરસાદી પાણી ભરાયા છે. નવસારીના નીચાણવાળા મકાનોમાં પાણી ભરાયા છે. ક્યારેય ન ભરાયા હોય તેવા વિસ્તારો પણ પાણી ભરાયા છે. ગણદેવી જવાના રસ્તે અને નવસારીથી દાંડી રોડ પર પણ ઢીંચણસમા પાણી ભરાયા છે. ક્યાંક પાણી ઘરમાં ઘુસ્યા છે તો ક્યાંક વાહનો પાણીમાં ગરકાવ થયા છે. કોમ્પલેક્સમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગણદેવી રોડ પર ચાર ફુટ સુધી પાણી ભરાયા છે.


વિજલપોરમાં ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નવસારી અને જલાલપોરમાં પડી રહેલો ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ બની છે. પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. વિજલપોર તમાર્કરવાડી રસ્તા પર પાણી ભરાતા મૃતદેહ માટે શબવાહિની ન મળતા મૃતદેહને લારીમાં લઈ જવાની પરિવારજનોને ફરજ પડી હતી. નવસારી શહેરના સહિત ચોક કુંભારવાડ વિસ્તારમાં પાણી ભરાતા કુંભારી કામ કરતા લોકોને મોટું નુકસાન થયું છે. પાણી ભરવાના કારણે માટલા અને અન્ય માટીના વાસણો બગડી ગયા છે.  કુંભારવાડ વિસ્તારમાં વરસાદના કારણે ચાર ફૂટથી લઈને પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા જેના કારણે મોટું નુકસાન થયું છે.