આજે નવરાત્રિના છેલ્લા નોરતે પણ વરસાદી વિઘ્નની આગાહીથી ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં 20 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી તો સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે ભારે વરસાદથી સુરત, નવસારી, ભાવનગરમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા હતા.


અરબ સાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ છૂટા છવાયા સ્થળે ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 77 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં સૌથી વધુ 3-3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો કોડીનારમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો સુરત શહેરમાં બે ઈંચ, પલસાણામાં સવા બે ઈંચ, માંગરોળ, મહુવા અને ગણદેવીમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરતના કામરેજમાં પોણા બે ઈંચ, માંડવીમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે ખાબકેલા વરસાદના કારણે સુરત, વેરાવળ, ભાવનગર, તાપી, નવસારીમાં અનેક નવરાત્રિ પંડાલોમાં પાણી ભરાઈ જતા ગરબા બંધ રાખવાની ફરજ પડી હતી.


સુરત શહેરમાં નવરાત્રિના આઠમા નોરતે સાંજથી શરૂ થયેલા વરસાદે ગરબા પ્રેમીઓની મજા બગાડી હતી. ગાજવીજ સાથે વરસેલા આ વરસાદે નવરાત્રિના આયોજનો પર પાણી ફેરવી દીધા છે. શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે, અઠવાગેટ, પીપલોદ, પાર્લે પોઇન્ટ, ઉમરા ગામ, ડુમસ રોડ, વેસુ, નાનપુરા, મજુરા ગેટ, ઉધના, અડાજન અને રાંદેરમાં વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી, બીલીમોરા અને ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદને કારણે નવસારીમાં અનેક ગરબા ગ્રાઉન્ડ જળબંબાકાર થઈ ગયા છે. વીજળીના કડાકા-ભડાકા સાથે થઈ રહેલા વરસાદે ગરબા આયોજકોની ચિંતા વધારી દીધી હતી. 


Surat Rain: સુરતમાં નવરાત્રિના આઠમા દિવસે ધોધમાર વરસાદ: ઠેર ઠેર પાણી ભરાતાં ગરબા આયોજન પર પાણી ફરી વળ્યું