રાજકોટ: ‘વાયુ’ વાવાઝોડુ આજે રાત્રે અથવા તો આવતીકાલે વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ સહિત દીવમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યાં હતાં. કડાકા-ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે.

સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેવાડાના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે.

‘વાયુ’ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી 300 કિલોમીટર જેટલું દૂર છે. ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળતા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઇને ગાંડોતૂર બન્યો છે.

દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.