અમરેલી: અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  અમરેલી જિલ્લાના બગસરા,ધારી,ખાંભા પંથકમાં વરસાદ વરસ્યો છે.  બોરાળા, ચકરાવા, ભૂંડણી, મોટા બારમણ ગામમાં વરસાદ વરસ્યો છે.  બોરાળા અને ચકરાવા ગામની નદીમાં પૂર આવ્યું છે.  માલણ નદીમાં પૂર આવ્યું છે. ગીગાસણ, દલખાણીયા, કૂબડામાં વરસાદી માહોલ જામ્યો છે.  શિવડ, બોરડી, ગોવિંદપુર, સુખપુરમાં વરસાદ વરસી રહ્યો છે. ગોવિંદપુર ગામની પિલુકિયો નદીમાં પૂર આવ્યું છે. નદી પરનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. 


મેઘાવી માહોલ અમરેલીના બગસરા શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. બગસરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં વરસાદ વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.  


અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો


ચોમાસાની સિઝનમાં ફરી એક વખત અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો છે.  શેત્રુંજી નદીમાં પુર આવતા ખોડિયાર ડેમ ભરાઈ ગયો છે. બે દરવાજા એક ફૂટ ખોલી પાણી છોડવામાં આવ્યું છે.  નિચાણવાળા વિસ્તારને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.  અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 46 ગામોને એલર્ટ કરાયા છે.  


રાજ્યમાં અત્યાર સુધીમાં  સરેરાશ 74.68 ટકા વરસાદ


ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં  સરેરાશ 74.68 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 88.99 ટકા વરસાદ ખાબક્યો છે. સૌથી ઓછો 55.97 ટકા વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 82.26 અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 59.22 ટકા વરસાદ વરસ્યો છે.  


રાજ્ય સરકારે ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું 


વિધાનસભા ગૃહ ખાતે જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા  રૂ. ૩૫૦ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
 
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે. રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપદાના સમયે ભારત અને ગુજરાત સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઉભી છે. ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકશાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે.
 
મંત્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ ૪૫ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત થયો હતો. આ અસરગ્રસ્ત વિસ્તારમાં ૨૭૨ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેના આધારે આશરે ૧.૫૦ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે. 
 
ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રી રાધવજીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે. 


Gujarat Rain Update: વિરામ બાદ મેઘરાજનો બીજો રાઉન્ડ શરૂ, આ જિલ્લામાં મનમૂકી વરસ્યો વરસાદ