PM Kisan 23rd Installment: ગુજરાતમાં જાણે ચોમાસું વહેલું બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. અચાનક બદલાયેલા આ વાતાવરણને કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી તો મોટી રાહત મળી છે, પરંતુ ખેતરોમાં ઊભેલો ઉનાળુ પાક અને આંબાવાડીઓમાં કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. ભારે વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે, જ્યારે છોટા ઉદેપુરમાં વૃક્ષ પડવાથી 1 યુવકનું કરુણ મોત નીપજ્યું છે. ચાલો જાણીએ અલગ-અલગ વિસ્તારોમાં કેવો રહ્યો વરસાદી માહોલ અને ક્યાં કેટલી અસર થઈ.

ઉત્તર ગુજરાત: વાવાઝોડા સાથે વરસાદ અને ધૂળની ડમરીઓ

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ જાણે તોફાન મચાવ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું અને ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો.

Continues below advertisement
Continues below advertisement

સાબરકાંઠા: હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મામાં ભારે પવન સાથે અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો. અનેક જગ્યાએ હોર્ડિંગ્સ અને વૃક્ષો પડ્યા તો વીજ પુરવઠો પણ ખોરવાયો.

બનાસકાંઠા: અમીરગઢમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાને લીધે ખેતરોમાં લણણી માટે તૈયાર મકાઈ અને બાજરીનો પાક આડો પડી ગયો છે, જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે. અંબાજીમાં તો નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલતી હતી ત્યાં જ અચાનક ધૂળની ડમરીઓ ઊડતાં ખેલાડીઓ અને દર્શકોએ જીવ બચાવવા દોડાદોડ કરવી પડી હતી.

અરવલ્લી અને મહેસાણા: મોડાસા, મેઘરજ અને ભિલોડામાં પણ ધોધમાર વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ. મેઘરજના જીતપુરમાં પવનના જોરથી એક મકાનની છત અને દીવાલ ધરાશાયી થયા છે, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મહેસાણામાં ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

મધ્ય ગુજરાત: વીજપોલ ધરાશાયી, 1 નું મોત અને ટ્રેન વ્યવહાર ખોરવાયો

મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને વાવાઝોડાએ ખાનાખરાબી સર્જી છે.

છોટા ઉદેપુર: જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં બોડેલી, પાવી જેતપુર અને સંખેડામાં ધોધમાર વરસાદ પડ્યો. નસવાડીના આમરોલી ગામમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં અરવિંદ તડવી નામના 1 યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઉપરાંત જબુગામ પાસે રેલવે ટ્રેક પર વીજ વાયર તૂટી પડતાં અલીરાજપુર-પ્રતાપનગર જતી ટ્રેનને અધવચ્ચે રોકવી પડી હતી.

દાહોદ અને મહીસાગર: દાહોદ શહેરમાં રસ્તા પર અને બસ સ્ટેન્ડમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા, જ્યારે લીમખેડામાં એક મકાન ધરાશાયી થયું છે. મહીસાગરના કડાણા પાસે રસ્તા વચ્ચે મોટું વૃક્ષ પડતાં વાહનવ્યવહાર અટકી ગયો હતો, જેને પોલીસે મહામહેનતે હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

વડોદરા: વડોદરાના સાવલી, શિનોર અને વાઘોડિયામાં પણ ભારે પવનથી લોકોના મકાનના પતરાં ઊડ્યા અને વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ બની છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાક ગુજરાત માટે ભારે! ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ

સૌરાષ્ટ્ર: કુદરતી સૌંદર્ય અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ

સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટા સાથે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો.

જૂનાગઢના વંથલી અને આસપાસના ગામોમાં સવારથી ધીમી ધારે વરસાદ પડતાં રસ્તા પર પાણી વહેતા થયા હતા. આ વરસાદથી બાગાયતી પાક, ખાસ કરીને કેરી અને રાવણાં પકવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

બીજી તરફ, જૂનાગઢના દાતાર પર્વત પર વાદળો સીધા જમીન પર ઉતરી આવ્યા હોય તેવો અદભુત નજારો જોવા મળ્યો હતો, જેનો પ્રવાસીઓએ મન ભરીને આનંદ માણ્યો.

અમરેલીના રાજુલા અને જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો, જ્યારે ગીર સોમનાથના ઉના પંથકમાં પણ વરસાદી ઝાપટાં પડવાથી લોકોને ગરમીથી રાહત મળી.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: આગામી 15 કલાકમાં 10 રાજ્યોમાં ભારે વાવાઝોડાની આગાહી, કરા પડવાની પણ આશંકા

દક્ષિણ ગુજરાત: બફારા અને કાળઝાળ ગરમીમાંથી મળી રાહત

દક્ષિણ ગુજરાતમાં લાંબા સમયથી ઉકળાટ અને બફારાથી કંટાળેલા લોકો માટે આ વરસાદ થોડી રાહત લઈને આવ્યો છે.

તાપીના સોનગઢમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, જ્યારે સુરત શહેરના ઉધના, લિંબાયત અને પલસાણા તાલુકામાં હળવા ઝાપટાં પડ્યા.

નવસારીના ચીખલી અને ગણદેવી તેમજ વાપી અને વલસાડમાં પણ વહેલી સવારે પવન સાથે વરસાદ પડતાં રસ્તાઓ ભીંજાયા હતા અને વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.