અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.  કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ અનુસાર  દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 


જ્યારે  બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ,  ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 


ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા ત્રણ દિવસથી જળબંબાકારની સ્થિતિ છે. પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  


ગુજરાત ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું કે, શનિવારે સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં 163 મીમી વરસાદ નોંધાયો હતો. આ પછી જૂનાગઢ શહેર અને તાલુકામાં 133 મીમી અને ગીર સોમનાથ જીલ્લાના પાટણ-વેરાવળમાં 117 મીમી વરસાદ નોંધાયો હતો.


NDRFની 10 ટીમો તૈનાત


અધિકારીઓએ જણાવ્યું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 10 ટીમો તૈનાત કરવામાં આવી છે અને ફસાયેલા લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે 16 જળાશયો ભરાયા છે.


આ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો


આ ઉપરાંત સરદાર સરોવર ડેમ સહિત 36 જળાશયો અને 25 ડેમ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે તેમની કુલ ક્ષમતાના 50 થી 70 ટકા જેટલું ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં અસાધારણ રીતે ભારે વરસાદ થયો હતો અને જૂનાગઢ અને પોરબંદરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થયો હતો.


ભારે વરસાદનું અનુમાન


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે જે સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિલોમીટર સુધી વિસ્તરે છે અને દક્ષિણ-પશ્ચિમ તરફ વળેલું છે. મંગળવાર સવાર સુધી સૌરાષ્ટ્ર વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સાથે અતિ ભારે વરસાદનું અનુમાન છે.