અમરેલી: અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમય બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.  રાજુલા, જાફરાબાદ અને ખાંભા પંથકમાં વરસાદી માહોલ છે. રાજુલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. રાજુલા તેમજ હિંડોરણા,છતડીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. રાજુલા શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટાને પગલે  રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. ખાંભાના નાના બારમણ ગામે પણ વરસાદ પડ્યો છે. જાફરાબાદના લોર,ફાચરિયા સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યું છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 



બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે માઠા સમાચાર છે.  છેલ્લા ચાર વર્ષથી બનાસકાંઠા જિલ્લામાં નહીવત વરસાદને લઈને ભૂગર્ભજળની પણ મોટી સમસ્યાઓ સર્જાઈ છે.  આ વર્ષે ખૂબ સારા વરસાદની આશા એ ખેડૂતોએ હોંશે હોંશે વાવેતર કર્યું પરંતુ ચોમાસાની શરૂઆત થયા દોઢ મહિનો પૂર્ણ થવા આવ્યો છતાં માત્ર ૨૫ ટકા જ વરસાદ નોંધાતા જગતનો તાત ચિંતિત બન્યો છે.  હવામાન વિભાગની આગાહી પણ આ વર્ષે ઠગારી નીવડી હોય તેવું જોવા મળ્યું છે. લાખણી અને થરાદ પંથકમાં સૌથી ઓછો એટલે ૭થી ૧૦ ટકા જ વરસાદ વરસ્યો છે.  જો ગત વર્ષે વાવેતર ની વાત કરવામાં આવે તો જિલ્લામાં 544606 હેક્ટરમાં વાવતરે થયું હતું પરંતુ ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 494597 હેક્ટરમાં માં જ વાવેતર થયું છે. 


મુખ્યમંત્રી રૂપાણીનો ખેડૂતોને સિંચાઇના પાણી મુદ્દે મોટો નિર્ણય, સિંચાઇ માટે છોડાશે પાણી, કેટલું પાણી છોડાશે?


રાજ્યમાં વરસાદ ખેંચાવાની સ્થિતીમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીના કિસાન હિતકારી નિર્ણયથી ૩૯ જળાશયોમાંથી સાડા નવ લાખ એકરને સિંચાઇ પાણી મળે છે. પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા. ૩૦ સપ્ટેમ્બર સુધી પાણી આરક્ષિત રાખી બાકીનું પાણી સંબંધિત વિસ્તારોની માંગણી અનુસાર કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો નિર્ણય લેવાયો છે. 



ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની પરિસ્થિતીમાં વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી. રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો છે. રૂપાણીએ જે બંધો-જળાશયોમાં પાણી ઉપલબ્ધ છે તે પૈકી પીવાના પાણી માટેના પ૬ જળાશયોમાં તા.૩૦ સપ્ટેમ્બર-ર૦ર૧ સુધી પાણી આરક્ષિત રાખીને બાકીનું પાણી સંબંધિત વિસ્તારની માંગ મુજબ કમાન્ડ વિસ્તારના ખેડૂતોના ઊભા પાકને બચાવવા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં કર્યો છે તેમ જળસંપત્તિ સચિવ જાદવે જણાવ્યું છે. 



જળસંપત્તિ સચિવે જણાવ્યું છે કે, મુખ્યમંત્રીના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને પરિણામે જે વિસ્તારોમાંથી સિંચાઇના પાણી માટે માંગણી આવેલી છે તે વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે ૩૯ જળાશયોમાંથી કુલ સાડા નવ લાખ એકર જમીનને સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.
 
તદઅનુસાર, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ ૧૪૧ પૈકી ૩૬ ડેમોમાં પીવાનું પાણી બે માસ માટે આરક્ષિત કરેલું છે. સૌરાષ્ટ્રના ૭૯ ડેમોમાંથી ૧,૪૮,૨૦૦ એકર વિસ્તારને સિંચાઇ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી હાલમાં ર૩ ડેમમાંથી પાણી આપવામાં આવી રહેલ છે.  જેમાં જામનગર જિલ્લાના ઉંડ-૧, સસોઇ, પન્ના, આજી-૪, ફૂલઝર-૧, ફૂલઝર-ર, ફૂલઝર કોટડા, વોડીસંગ, વીજરખી, ઉંડ-૩, સપડા, ઉમીયાસાગર અને રૂપારેલ એમ કુલ ૧૩ ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવાનું શરૂ કરેલ છે  



જ્યારે રાજકોટ જિલ્લામાં આજી-ર, આજી-૩ અને ન્યારી-ર ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલ છે.  મોરબી જિલ્લાના બ્રાહ્મણી-૧, ડેમી-૧ ઘોડાધ્રોઇ અને ડેમી-ર ડેમમાંથી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ફલકુ ડેમમાંથી પાણી આપવાનું શરૂ કરેલું છે. પોરબંદર જિલ્લાના સોરઠી અને  દેવભૂમિ દ્વારકા જિલ્લાના વેરાડી-ર ડેમમાંથી સિંચાઇ માટે પાણી આપવામાં આવી રહ્યું છે.