Gujarat heat wave alert: ગુજરાતમાં હોળીના તહેવારની ઉજવણી વચ્ચે આકરી ગરમીનો અનુભવ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓ માટે આગામી પાંચ દિવસ સુધી હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે. IMDના જણાવ્યા અનુસાર, રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હીટ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે. હોળીનો તહેવાર 14મી માર્ચે છે, અને લોકો આ દિવસે પરંપરાગત રીતે બહાર નીકળીને ઉજવણી કરતા હોય છે, ત્યારે હીટ વેવની આગાહી તહેવારના ઉત્સાહને ફિક્કો પાડી શકે છે.
IMDએ ગુજરાત માટે હીટ વેવને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી ચાર દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં ગરમીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં તીવ્ર ગરમી અને હીટ વેવ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, બોટાદ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ સહિતના અન્ય વિસ્તારો માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી શકે છે.
10મી માર્ચે ગુજરાતના રાજકોટ, ભુજ, સુરેન્દ્રનગર અને અન્ય શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. રાજ્યના એવા 10 શહેરો જ્યાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું તેની યાદી નીચે મુજબ છે:
રાજકોટ - 41.1 ડિગ્રી સેલ્સિયસ
ભુજ - 40.4 ડિગ્રી સેલ્સિયસ
સુરેન્દ્રનગર - 40.5 ડિગ્રી સેલ્સિયસ
નલિયા - 39.5 ડિગ્રી સેલ્સિયસ
કંડલા - 39.2 ડિગ્રી સેલ્સિયસ
કેશોદ - 39.2 ડિગ્રી સેલ્સિયસ
ડીસા - 38.9 ડિગ્રી સેલ્સિયસ
ગાંધીનગર - 39.2 ડિગ્રી સેલ્સિયસ
અમદાવાદ - 38.9 ડિગ્રી સેલ્સિયસ
સુરત - 38.7 ડિગ્રી સેલ્સિયસ
ગરમીના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, લોકોને ખાસ કરીને બપોરના સમયે ઘરની અંદર રહેવાની અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. હોળીના તહેવાર દરમિયાન ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો...