અમદાવાદઃ ગુજરાત સરકારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારને રસ્તે ચાલીને રાજ્યની પાંચ સ્કૂલોનો વહીવટ પોતાને હસ્તક લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.

Continues below advertisement

રાજ્ય સરકાર રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક સ્કૂલોમાં કેન્દ્રીય ધોરણે ભરતી કરે છે. આ ભરતીમાં ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ભરતી થયેલા અને પસંદગી પામેલા શિક્ષકોને નિમણૂંક પત્રો અપાઈ ગયા છે અને મોટા ભાગની સ્કૂલોએ શિક્ષકોને હાજર કરી લીધા છે પરંતુ રાજ્યની વિવિધ જિલ્લાની પાંચ ગ્રાન્ટેડ સ્કૂલોએ નિમણૂંક પામેલા શિક્ષકોને હાજર ના કરતાં કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા સરકારને આસ્કૂલોનો વહિવટ હસ્તગત કરવા દરખાસ્ત મોકલી છે. આ પાંચ સ્કૂલો પૈકી બે સ્કૂલના સંચાલકોએ ઉમેદવારો પાસે રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ પણ થઈ છે.

કમિશનર ઓફ સ્કૂલે વડાદરના પાદરા તાલુકાની ડભાસા ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ,  આણંદની  એચ. એલ. પટેલ સ્કૂલ, વી. જે. પટેલ સ્કૂલ અને સરસ્વતી સ્કૂલ તેમજ દાહોદની ગરબાડા તાલુકાના નેલસુરની  વણીકરદાદા  હાઈસ્કૂલનો વહિવટ હસ્તક લેવા દરખાસ્ત કરી છે. આ માટે સંબંધિત જિલ્લાના શિક્ષણાધિકારી (ડીઈઓ)ને પરિપત્ર મોકલીને આ સ્કૂલોમાં નિમાયેલા શિક્ષકોને હાલ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોકલવા આદેશ કર્યો છે.

Continues below advertisement

મળતી માહિતી મુજબ આ પાંચ ગ્રાન્ટેડ સ્કૂલોમાંથી બે સ્કૂલોમાં સંચાલકો દ્વારા શિક્ષકને હાજર થવા માટે રૂપિયા માંગવામા આવ્યા હતા. સરકાર દ્વારા દરખાસ્ત મંજૂર થશે તો પાંચ વર્ષ માટે સ્કૂલનો વહિવટ સરકાર હસ્તક રહેશે અને ડીઈઓ દ્વારા કલાસ-2 ઓફિસરની વહિવટદાર તરીકે નિમણૂંક થશે.

કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાયા બાદ તમામ જિલ્લામાં ડીઈઓ દ્વારા મંડળો પાસેથી ભલામણપત્રો મંગાવ્યા બાદ ઉમેદવારોને નિમણૂંકો અપાઈ છે .ઉમેદવારોને નિમણૂંકપત્રોનું વિતરણ થયા બાદ પણ કેટલાક જિલ્લામાં સ્કૂલોના મંડળોએ શિક્ષકોને હાજર કર્યા નથી. ડીઈઓ દ્વારા નોટિસ બાદ પણ શિક્ષકોને હાજર ન કરતા અંતે કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા આવી પાંચ ગ્રાન્ટેડ સ્કૂલોનો વહિવટ સરકાર હસ્તક લેવા દરખાસ્ત થઈ છે.