Independence Day 2024: આજે દેશભરમાં ભારતના સ્વાતંત્ર્ય દિવસની પુરજોશમાં ઉજવણી કરાઇ રહી છે. આજે ગુજરાતમાં પણ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસ નડિયાદ ખાતે ઉજવણી કરાઇ હતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નડીયાદમાં તિરંગો ફરકાવીને કરી હતી. આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત પણ લીધી હતી. 


આજે ખેડા જિલ્લાના નડિયાદમાં રાજ્યકક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય અને દેશના વિકાસની વાત કહી હતી. આ દરમિયાને તેમને મંચ પરથી ગુજરાતના વિકાસની ગાથાને રજૂ કરી હતી. તેમને જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં માળખાકીય સુવિધા પર વધુ ભાર આપવામાં આવ્યો છે, વિરાસતથી વિકાસ એ ગુજરાતનો મંત્ર બન્યો છે. આજે રાજ્યમાં ગરીબ, યુવા, ખેડૂત, નારી શક્તિ વિકાસના કેન્દ્રબિંદુ બન્યા છે. શ્રમિકોના સર્વાગ્રાહી કલ્યાણની સરકારે કરી ચિંતા કરી છે, આદિજાતિ વિસ્તારોનો વિકાસ સરકારની પ્રાથમિકતા આપી છે. આ ઉપરાંત વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ વિસ્તારોનો વિકાસ કરવામાં આવ્યો છે. સ્કીલ ડેવલોપમેન્ટને સરકારને પ્રાધાન્ય આપ્યુ છે. 


ખેડાના નડિયાદમાં આજે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામા આવી, મુખ્યમંત્રી પટેલે નડિયાના પરેડ ગ્રાઉન્ડમાં પહેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલને વંદન કર્યા અને બાદમાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમને જણાવ્યુ કે, સરદાર પટેલે અખંડ ભારતનું નિર્માણ કર્યુ છે. સરદાર પટેલે કુનેહપૂર્વક એક ભારતનું નિર્માણ કર્યુ છે, નરેન્દ્રભાઈ, અમિતભાઈ સુરાજ્ય માટે પ્રયત્નશીલ છે, નરેન્દ્રભાઈએ સર્વગ્રાહી વિકાસનો પાયો નાખ્યો છે. આજે સૌનો સાથ, સૌનો વિકાસનો નારો દેશવ્યાપી બન્યો છે. 


મંચ પરથી વધુમાં તેમને જણાવ્યુ કે, ભારતમાં વિશ્વમાં પાંચમી અર્થવ્યવસ્થા બની છે, 2047 સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે, ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષો વાવ્યા છે. હર ઘર તિરંગા અભિયાનમાં ગુજરાત ઉમંગથી જોડાયુ છે. દેશભક્તિના તમામ કાર્યક્રમોમાં ગુજરાત અવ્વલ ક્રમે રહ્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો મંત્ર બન્યો છે, રાજ્યમાં નવા વેપાર ધંધાની અનેક તકો ઉભી થઇ છે. ગુજરાત આદિકાળથી વેપાર અને વાણિજ્યનું કેન્દ્રબિન્દુ રહ્યું છે. વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની આર્થિક વિકાસની ગાથા આગળ વધી છે. નવા-નવા ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ વધ્યા છે, આજે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગુજરાત રોકાણ માટેનું મુખ્ય કેન્દ્ર છે. પર્યાવરણના જતન સાથે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ખુબ ઝડપી થયો છે.