રાજયમાં 8.8 ડિગ્રી સાથે ગાંધીનગર શહેર સૌથી ઠંડું શહેર રહ્યું છે. તો અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન 11.1 ડિગ્રી નોંધાયું છે. રાજયના માછીમારોને ઉત્તર પશ્ચિમ અરબસાગરમાં માછીમારી કરવા ના જવા ચેતવણી આપવામા આવી છે.
ગાંધીનગર શહેરમાં પણ શુક્રવારે સવારના તાપમાનમાં અચાનક જ ઘટાડો નોંધાવા પામ્યો છે. એક જ દિવસમાં ત્રણ ડિગ્રી ગગડી જતાં ઠંડી પણ આકરી બની રહી છે. લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રીએ આવીને અટક્યું છે.
રાજ્યના પાટનગરમાં છેલ્લા એક સપ્તાહથી મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં વધઘટ નોંધાઇ રહી છે. શુક્રવારે અચાનક જ સવારનું તાપમાન ગગડતાં ઠંડી પણ પુનઃ આકરી બની છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન ૧૧.પ ડિગ્રીએ પહોંચ્યું હતું. જેમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતાં શુક્રવારે ઠંડીનો પારો ૮.૮ ડિગ્રીએ આવીને અટક્યો હતો. જ્યારે મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં ૩૨.૪ ડિગ્રીએ પહોંચ્યું છે.
દિવસ અને રાત્રીના તાપમાનમાં ચાર ગણો તફાવત હોવા છતાં ઠંડીનું આક્રમણ શહેરમાં યથાવત રહેવા પામ્યું છે. જેની અસર જનજીવન ઉપર પણ જોવા મળી રહી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ વધુ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. આમ અચાનક જ ઠંડી આકરી બનતાં નગરજનો પણ ઠુંઠવાઇ રહ્યાં છે.