Kalol Congress News: ગાંધીનગરના કલોલના મુદ્દાને લઇને આજે રાજનીતિ ગરમાઇ છે. કલોલ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. અત્યારે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસના સભ્યોને પોલીસ પરેશના કરી રહી છે. આ ઘટના મુદ્દે હવે કોંગ્રેસનો આરોપ છે કે પોલીસ બળજબરીથી કૉંગ્રેસના સભ્યોને બસમાં બેસાડી રહી હતી. સાથે જ કલોલ તાલુકા પંચાયત તોડવા ભાજપે પોલીસને આદેશ આપ્યા હોવાનો પણ આરોપ છે. પોલીસે સત્તાનો દૂરૂપયોગ કરી અમાનવીય વર્તન કર્યુ હતુ. હાલમાં તાલુકા પંચાયતમાં કુલ 26 સભ્યો છે. જેમાંથી 15 સભ્યો કોગ્રેસના અને 11 સભ્યો ભાજપના છે. કોંગ્રેસ પક્ષના નીતાબેન રાજુજી ઠાકોરને પ્રમુખ તરીકે ઉમેદવારી  નોંધાવી છે, જ્યારે ઉપપ્રમુખ માટે કોંગ્રેસના શંભુજી ગલાબજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસની બહુમતી હોવા છતાં કલોલ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભાજપે પણ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસમાંથી ચૂંટાયેલ અને ભાજપમાં જોડાયેલ બબીતાબેન શકરાજી ઠાકોરને ભાજપ પક્ષે પ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે ભાજપના અર્પિતભાઈ પટેલે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. 




હવે આ કલોલ તાલુકા પંચાયતનો મુદ્દો ઉગ્ર બન્યો છે, જેના પર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા લડી લેવાની વાત કરવામાં આવી છે, વાયરલ થયેલા વીડિયોમાં પોલીસની દમનગીરી સામે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહે ગોહિલે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની પણ વાત કરી છે. કલોલ તાલુકા પંચાયત મુદ્દે કોંગ્રેસે વિધાનસભા પરિસર બહાર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધુ છે. કૉંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. કૉંગ્રેસના સભ્યો સાથે કલોલ પોલીસની જબરદસ્તીને લઈ વિરોધ હજુ પણ વધે તેવી શક્યતાઓ છે. તેમનો આરોપ છે કે, કૉંગ્રેસના સભ્યોની બસ જબરદસ્તીથી પોલીસે રોકી હતી, આ બધુ જ કામ ભાજપના ઈશારે પોલીસ કરી રહી છે. 




કલોલ તાલુકા પંચાયતની ઘટના મુદ્દાએ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ લોકશાહીને ખતમ કરવાની પ્રક્રિયા થાય છે, કલોલમાં અમારી બહુમતી છે, કોંગ્રેસના 3 સભ્યોને ઉપાડી ગયા છે આ લોકશાહીનું ખુન છે. મારી પાસે વીડિયો હું સુપ્રીમ કોર્ટ સુધી લડીશ, જે અધિકારીઓ ચાપલૂસી કરે છે તેમને સમજવુ પડે, અમે રાષ્ટ્રપતિની ગરિમા જાળવીએ છીએ, પણ જરૂર પડશે તો એમને બતાવીશું કે જુઓ ગુજરાતમાં શું ચાલે છે.