KHEDA  : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માથા પર છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોતરાઈ ગયા છે. પણ  આ તમામ બાબતો વચ્ચે ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી રહી હોવાનું જણાઈ આવે છે. કારણ કે કોંગ્રેસના વધુ એક જિલ્લાના પ્રમુખે પક્ષ સમયે નારાજગી વ્યક્ત કરી રાજીનામું આપ્યું છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ ગત મહિને રાજીનામું આપ્યું હતું, તો હવે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે. 


ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલાએ રાજીનામું આપ્યું
મળતી માહિતી મુજબ ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ  રાજેશ ઝાલાએ રાજીનામું આપી દીધું છે. પક્ષ સામે નારાજગીને લઈને રાજેશ ઝાલાએ જિલ્લા પ્રમુખપદેથી રાજીનામું આપતા ખેડા જિલ્લા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. 


ખેડામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા  અને ધારાસભ્ય વચ્ચે જૂથવાદ અને નારાજગી ચાલી રહી હતી. પાર્ટીમાં કોઈ નવા હોદ્દેદારોની નિમણૂક હોય છે કે નીતિવિષયક નિર્ણયો લેવાના હોય, આવા સમયે રાજેશ ઝાલા જિલ્લા પ્રમુખ હોવા છતાં ધારાસભ્યોની મંજૂરી વગરએક ડગલું ભરી શકતા શકતા ન હતા.


ભાજપમાં જોડાઈ શકે છે રાજેશ ઝાલા 
ઉલ્લેખનીય છે કે રાજેશ ઝાલાના રાજીનામાની અટકળો ત્યારથી જ શરૂ થઇ હતી કે જ્યારથી તેમની અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વચ્ચે મુલાકાતના સમાચાર વહેતા થયા હતા. 


ગત મહિને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું હતું રાજીનામું 
આ પહેલા ગત મહિને 24 જૂને ગાંધીનગર જિલ્લા કોગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સુર્યસિંહ ડાભીએ કોંગ્રેસ એક જ ઝાટકે છેડો ફાડી નાખ્યો હતો. સુર્યસિંહ ડાભીએ કોંગ્રેસ સુસ્તીમાં હોવા અંગે એક ટ્વીટ કરીને આ સંકેત આપી દીધો હતો. તેમણે  પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પોતાના રાજીનામાનો પત્ર મોકલી આપ્યો હતો. તેઓએ મહામંત્રી પદ ઉપરાંત કોંગ્રેસના સભ્ય પદેથી પણ રાજીનામું ધરી દીધુ હતું.


સુર્યસિંહ ડાભી પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અમિત ચાવડાના નજીકના ગણાય છે. અમિત ચાવડાના કાર્યકાળ દરમિયાન તેઓને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું પદ સોંપાયુ હતું. જેમાં તેઓ બે ટર્મ સુધી રહ્યા હતા.