નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની 3 દિવસીય બેઠક બુધવારે પૂરી થઈ હતી. ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank of India) વ્યાજના દરોમાં કોઈ ફેરફાર નથી કર્યો. આ કારણે લોનના ઈએમઆઈ (EMI) પર વધુ રાહત નહીં મળે. રિઝર્વ બેંકે રેપો રેટને 4 ટકા જાળવી રાખ્યો છે.
આરબીઆઈએ શું આપ્યો આદેશ
આ સિવાય ગત વર્ષે કોરોના લોકડાઉન (Lockdown) દરમિયાન લોન મોરેટોરિયમનો (Loan Moratorium) લાભ લીધા બાદ વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો સારા સમાચારછે. રિઝર્વ બેંકે બુધવારે બેંકો અને એનબીએફસી (NBFC) કંપનીઓને ઋણદારો પાસેથી ગત વર્ષે છ મહિનાના સમયગાળા માટે લેવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજને પરત કરવા નિર્દેશક મંડળને તાત્કાલિક મંજૂરી આપી લાગુ કરવા આદેશ કર્યો હતો. RBIના આ ફેંસલાથી લોન લેનારા અને લોકડાઉન દરમિયાન ઈએમઆઈ નહીં ભરનારા ગ્રાહકોને ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં ચૂકવવું પડે. રિઝર્વ બેંકે ગત મહિને તેના એક ફેંસલામાં આ સમયગાળા દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજ લેવા પર રોક લગાવી હતી. રિઝર્વ બેંકે ગત વર્ષે કોવિડ-19 મહામારી દરમિયાન ઋણદારોને રાહત પેકેજ આપતાં તેમણે ચૂકવવાના થતાં ઈએમઆઈ (EMI) પર રોક લગાવી હતી. ઋણદારોને લોન નહીં ચૂકવવા માટેની મુદત પહેલા 1 માર્ચથી લઈને 31 મે સુધી બાદમાં વધુ ત્રણ મહિના લંબાવીને 31 ઓગસ્ટ કરી દીધી હતી.
કોરોનાને લઈ આરબીઆઈ ગવર્નરે શું કહ્યું...
શક્તિકાંત દાસે જણાવ્યું કે, કોરોનાનો પ્રસાર વધી રહ્યો છે તેમ છતા અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે. જો કે, જે રીતે હાલ કેસ વધ્યા છે તેનાથી થોડી અનિશ્ચિતતા વધી છે પરંતુ ભારત પડકારોનો સામનો કરવા તૈયાર છે. ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી 5 ટકાની ઉંચાઈ પર રહી તેમ છતા તે રિઝર્વ બેંકની સુવિધાજનક સીમાની અંદર જ છે. રિઝર્વ બેંકે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા જાળવી રાખ્યો છે. રેપો રેટ એટલે એવો દર જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી ઉધાર મળે છે. જ્યારે રિવર્સ રેપો રેટ એટલે રિઝર્વ બેંક પોતાના પાસે પૈસા જમા કરાવવા પર બેંકોને જે વ્યાજ આપે તે.
રિકવરીમાં અનિશ્ચિતતા
દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવા છતાં આર્થિક સ્થિતિ સુધરી રહી છે. જો કે કેસો જે ઝડપથી વધી રહ્યા છે તેને કારણે રિકવરીમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે, એમ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. દેશ કોઈપણ પડકારોનો સામનો કરવા સજ્જ છે. કોરોના વિરુદ્ધની રસીને કારણે અર્થતંત્રમાં ગતિ સાથે વર્તમાન નાણાં વર્ષમાં મજબૂતાઈની શકયતામાં વધારો થયો હતો પરંતુ કોરોનાએ ઉથલો મારતા અને કેસમાં થઈ રહેલા ઝડપી વધારાને કારણે વ્યાપક અનિશ્ચિતતા ઊભી થયાનું દાસે જણાવ્યું હતું.