નડિયાદઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ પાટીદાર નેતા દિનશા પટેલનો 25 સપ્ટેમ્બરે જન્મદિવસ હતો. જોકે તેમને શુભેચ્છા આપવાનું કોંગ્રેસના નેતાઓ ભૂલી ગયા હોય તેમ માત્ર બે જ નેતા શુભેચ્છા આપવા ગયા હતા. હાર્દિક પટેલ અને હિમાંશુ પટેલ આ બે જ નેતા પહોંચ્યા હતા.
હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટમાં લખ્યું, સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મભૂમિ એવા નડિયાદમાં આજે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી દિનશા પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. દિનશા પટેલ નગર સેવક, ધારાસભ્ય, સાંસદ અને પછી મંત્રી બન્યા. દિનશા પટેલ આજે પણ ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં અગ્રેસર સેવક બનીને કામ કરે છે. ગુજરાતમાં સરદાર પટેલ અને મહાત્મા ગાંધી સાથે જોડાયેલી ઘણી બધી સંસ્થાઓમાં પ્રમુખ દિનશા પટેલ છે, ઘણી હોસ્પિટલ અને સ્કૂલ-કોલેજો દિનશા પટેલની દેખરેખ હેઠળ ચાલે છે. અમદાવાદના શાહીબાગ પાસે આવેલા શ્રી સરદાર પટેલ રાષ્ટ્રીય સંગ્રહાલય ના પ્રમુખ દિનશા પટેલ છે, લોકો પાસેથી એક એક રૂપિયો ઉઘરાવીને સરદાર પટેલ સાહેબના વિચારોને જાગૃત કરવાનું કામ દિનશા પટેલ કરી રહ્યા છે. ગાંધી અને સરદારના વિચારો સાથે જીવન જીવનાર નૈતિક વ્યકતિત્વ એટલે દિનશા પટેલ. ખુબ સરસ મુલાકાત.
થોડા મહિના પહેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલ કોરોના સંક્રમિત થયા હતા. કોરોના સંક્રમિત થતા તેઓને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.