ભચાઉઃ  પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નેર ગામે મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા હોવાનું મનદુઃખ રાખી હુમલો કરાયો હતો. પૂર્વ ક્ચ્છ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. હુમલો કરનારા કુલ 16 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરાર આરોપીઓને શોધવા પૂર્વ ક્ચ્છ પોલીસની વિવિધ નવ ટીમોનું સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.  આ ઘટનાની સરકારે ગંભીર નોંધ લીધી છે તેમજ ભોગ બનનારા ૬ વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા કુલ ર૧ લાખની સહાય ચૂકવાશે. 


કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી પ્રદિપસિંહ પરમારે આ અંગેની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇનેય આવા અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે.


સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીએ ઉમેર્યુ કે, દલિત અત્યાચારની આ ઘટનામાં જે ૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે. તેમને નિયમાનુસાર કુલ ર૧ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.  મંત્રીએ જણાવ્યું કે, કચ્છની આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીએ સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. 


આ સંદર્ભમાં કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે. એટલું જ નહિ, એફ.આઇ.આર પણ દાખલ કરવામાં આવી છે. પ્રદિપસિંહ પરમારે સ્પષ્ટપણે ઉમેર્યુ કે, રાજ્યમાં આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને  તેની સંપૂર્ણ તકેદારી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્ય સરકાર સામાજિક સમરસતા અને સૌના સાથ સૌના વિકાસના ધ્યેયને પાર પાડશે.

આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાના શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું કે, આ દ્રશ્યો અત્યંત વિકૃત, વિચલિત કરતા ક્રૂર છે. દલિતો મંદિરમાં દર્શન કરવા જવાની આ સજા? ભચાઉ તાલુકામાં બનેલી આ ઘટના સમાજ અને સરકાર ઉપર તમતમતો તમાચો છે. તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપીને ટેગ કરીને   તાત્કાલિક કડકમાં કડક પગલાં લઈ અત્યાચારી પરિબળોને સખતમાં સખત સજા થાય તે સુનિશ્ચિત કરે, તેમ ટ્વીટમાં જણાવ્યું છે. 

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. જે દિવસે ઘટના બની ત્યારે કલેકટર અને એસપી સાથે ચર્ચા કરી. FIRની કોપી મંગાવી, કઈ કલમો લગાવી તેનો અભ્યાસ કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકી પર પણ મંત્રી પ્રદીપ પરમારે પ્રહાર કર્યો. નવસાદ સોલંકી સાચા અર્થમાં લોકોના કામ નથી કરતા. માત્ર ટ્વીટ કરે છે. આવી કોઈપણ ઘટના વખોડવા લાયક છે. એક ઘટનાને લઈ સમગ્ર રાજ્યને બદનામ ના કરવું જોઈએ.