પાકિસ્તાનના વિદેશ વિભાગના પ્રવકતા મુમતાઝ ઝહરાએ એક આરોપ લગાવ્યો છે કે જૂનાગઢ પર ભારતનો ગેરકાયદેસર કબજો છે. અંગ્રેજોએ ભારત છોડવાનો નિર્ણય કર્યો તે સમયે 565 રાજા રજવાડાઓ અસ્તિત્વ  ધરાવતા હતા અને તેમને ભારત કે પાકિસ્તાન કે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લેવાનો હક્ક અંગ્રેજોએ આપ્યો હતો. મોટાભાગના રાજા રજવાડાઓએ ભારતમાં વિલય થવાનો નિર્ણય કર્યો હતો. જયારે ત્રણ રાજયો એવા હતા જેમના નિર્ણયને લઈને વિવાદ થયો હતો. જેમાં જૂનાગઢ, જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદ સામેલ હતા. જૂનાગઢમાં એ સમયે બાબી વંશના નવાબ મહાબત ખાન ત્રીજાનુ શાસન હતું.  ભારતના ઉત્તરપશ્ચિમ ભાગમાં આવેલુ જૂનાગઢનું રજવાડું 1947માં ભારત પાકિસ્તાનના  વિભાજનના તોફાની સમયગાળા દરમિયાન રાજકીય વિવાદનું કેન્દ્રબિંદુ બન્યું હતું. જૂનાગઢના તત્કાલિન નવાબ મહાબત ખાન ત્રીજાએ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાનો નિર્ણય કર્યો હતો જેને લઈ લોકોમાં ભયંકર રોષ વ્યાપી ગયો હતો. જૂનાગઢ ભારતમાં કઈ રીતે સામેલ થયું તે અંગે વાત કરીએ તે પહેલા નવાબના નવાબી ઠાઠમાઠ વિશે જાણવુ જરુરી છે.




  (જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજા)


25 ઓકટોબર 1947ના રોજ જૂનાગઢના કેશોદ એરપોર્ટ પર અચાનક હલચલ વધી જાય છે. કેશોદના આ એરપોર્ટ પર શાહી ઠાઠમાઠનો જમાવડો જોવા મળે છે. સૌ કોઈના માથે ચિંતાના વાદળો ધેરાયેલા જોવા મળે છે. બહુ ઓછા લોકો સિવાય કોઈને પણ ખબર નથી કે આજે સાંજે શું થવા જઈ રહ્યુ છે. જૂનાગઢના નવાબે પાકિસ્તાનમાં ભળી જવાનો નિર્ણય કર્યા બાદ લોકોમાં રોષ સતત વધી રહ્યો હતો.  જૂનાગઢના અંતિમ નવાબ મહાબત ખાન ત્રીજા કેશોદના રાજમહેલ આવી પહોંચ્યા છે. નવાબ પાસે જૂનાગઢ સિવાય ચોરવાડ, વેરાવળ, કેશોદ, ચોકી અને સાસણ ગીર સહિત અનેક સ્થળો પર રાજમહેલ હતા.




   (ખંઢેર હાલતમાં જૂનાગઢ નવાબનો ચોરવાડ પેલેસ)


નવાબ અહીં  તેઓ પોતાના રસાલા સાથે વર્ષ દરમિયાન અવાર-નવાર  આવતા હતા. નવાબ તેમની બેગમો સાથે કેશોદથી નજીક સોંદરડા ખાતે દોલતસિંહ રાયજાદાના ઘરે બપોરના ભોજન માટે રવાના થાય છે. ભોજન લીધા બાદ નવાબ તેમની બેગમો અને પ્રિય કુતરા સાથે કેશોદ એરપોર્ટ પરથી સમી સાંજે એક પ્રાઈવેટ પ્લેનમાં ઉડાન ભરે છે. કેશોદથી રવાના થયેલુ પ્લેન પાકિસ્તાન તરફ ઉડાન ભરે છે. પ્લેનના પાછળના ભાગે સોના ચાંદીથી ભરેલા મોટા બકસાઓ મૂકાવામાં આવ્યા હતા. વચ્ચેના ભાગે અલગ-અલગ બ્રિડના કુતરા તેમની સાથે હતા. જયારે પ્લેનના આગળના ભાગે બેઠા હતા જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન ત્રીજા તેમની બેગમો અને દિકરાઓ. કેશોદથી ઉડાન ભરેલુ પ્લેન પાકિસ્તાનના કરાંચી એરપોર્ટ પર ઉતરાણ કરે છે ત્યારે સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાય જાય છે કારણ એ નહોતુ  કે જૂનાગઢના નવાબ તેના રસાલા સાથે ઉતરાણ કર્યું  પરંતુ જૂનાગઢ નવાબ પ્લેનમાં પોતાના પ્રિય કુતરાને લાવવામાં તેમની બે બેગમોને જૂનાગઢમાં જ ભૂલી ગયા હતા. 




   (નવાબ મહાબત ખાન ત્રીજા અને કેશોદ એરપોર્ટનો રનવે)


નવાબ મહાબત ખાન ત્રીજા પ્રાણી પ્રેમી હતા. તેમની પાસે અલગ-અલગ જાતના 800 કુતરા હતા. દરેક કુતરા માટે એક નોકર રાખવામાં આવ્યો હતો. કુતરા રહેવા માટે એરકન્ડીશન રુમો રાખવામાં આવતા. કુતરાઓ માટે ખાસ રસોયા અને મનપસંદ જમવાનું આપવામાં આવતુ.   કુતરા બિમાર પડે તો અંગ્રેજ ડોકટરો દ્રારા તેમની સારવાર કરવામાં આવતી. નવાબની પાસે સારી નસ્લની ગીર ગાય અને જાફરાબાદી ભેંસો હતી. કાઠીયાવાડી ઘોડાનુ ઉછેર કેન્દ્ર એ સમયે અસ્તિત્વ ધરાવતુ હતુ. નવાબે એ સમયે કુતરા અને કુતરીના લગ્ન કરાવ્યા હતા જે તે સમયે ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યુ હતુ. નવાબની પ્રિય કુતરી રોશનઆરાના  દીવાનના કુતરા બોબી સાથે લગ્ન કરાવ્યા હતા. બન્નેને હાથીની અંબાડી પર બેસાડી ધામધૂમથી લગ્ન કર્યા ત્યારે અનેક કુતરાઓને જાનૈયા તરીકે બોલાવવામાં આવ્યા હતા. જૂનાગઢને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ હતુ. તે સમયે લગ્નનો ખર્ચ 25 હજાર કરવામાં આવ્યો હતો જે આજના અંદાજે 3 કરોડ રુપિયા થાય. જો પસંદગીના કુતરાનુ અવસાન થાય તો જૂનાગઢ રાજમાં શોક પાળવામાં આવતો હતો. જે નવાબના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. 


 


 


 (જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજા પોતાના કુતરાઓ સાથે)


(જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજાએ ક્યાં કારણોસર જૂનાગઢ છોડવાની ફરજ પડી અને જૂનાગઢની આઝાદીના રસપ્રદ ઈતિહાસ અંગે વિગતવાર આવતા લેખમાં વાંચીશું...)