LokSabha Election: બનાસકાંઠા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર દિવસે દિવસે વધુને વધુ આક્રમક પ્રચાર કરી રહ્યાં છે. ગુજરાતમાં અત્યારે ક્ષત્રિય સમાજ ભાજપ અને રૂપાલા વિરૂદ્ધ આંદોલન કરી રહ્યો છે, ત્યારે હાલમાં જ જિલ્લા અમીરગઢમાં યોજાયેલી એક સભામાં ગેનીબેન ઠાકોરે આક્રમક પ્રચાર કરતાં કહ્યું કે, ક્ષત્રિયો તમે પહેલા ગાંધીજી બનજો, ના સમજે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાપ વાળી પણ કરજો. ગેનીબેનના આ આકાર પ્રહારો ભાજપ અને બનાસ ડેરી પર કરવામાં આવ્યા હતા. 

બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદારની ટક્કર જામી છે, અહીં ભાજપના રેખાબેનની સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર મેદાનમાં છે. હાલમાં જ ગેનીબેન ઠાકોરે ભાજપ અને બનાસ ડેરી પર અમીરગઢમા યોજાયેલા એક સંમેલનમાં જોરદાર અને આકરા પ્રહાર કર્યા છે. ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેન ઠાકોરે ચિમકી આપી છે કે, અહીં બનાસ ડેરી વાળા આવે તો ભગતસિંહ વાળી કરજો.

અમીરગઢ તાલુકામાં યોજાયેલા ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેન ઠાકોરે બનાસ ડેરી પર પ્રહાર કરતું નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, ચૂંટણી છે એટલે કે ડેરીના લોકો અને સુપરવાઈર અહીં આવશે, તમે લોકો પહેલા તેમને ગાંધીજીની રીતે સમજાવજો, જો ના સમજે તો ભગતસિંહ અને મહારાણા પ્રતાવ વાળી કરજો. ગેનીબેને ભાજપ અને બનાસ ડેરી મુદ્દે કહ્યું કે, ભાજપ પાસે હવે ખોટું કર્યા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો, તે લોકો મતદાનના દિવસે મૉકપૉલિંગમાં 50 - 50 મત નાંખી દેશે, દરેક બૂથમાં ભાજપવાળા 50 - 50 મત નાંખી 1 લાખની લીડ લેશે. કોંગ્રેસના એજન્ટો આવું ના થાય તેનું ખાસ ધ્યાન રાખે. ઉલ્લેખનીય છે કે, અમીરગઢ તાલુકાના ક્ષત્રિય સંમેલનમાં ગેનીબેનને ખુલ્લુ સમર્થન મળ્યુ છે. ગેનીબેને આ દરમિયાન તાલુકામાં ભાજપની એક પણ સભા ના થવા દેવા પણ આહવાન કર્યુ હતુ. 

કોણ છે ‘મહિલા દબંગ નેતા’ ગેનીબેન ઠાકોર? (Female Dabangg Leader Ganiben Thakor?)

ગેની ઠાકોર જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, તેઓ એક કોંગ્રેસ પક્ષના મહિલા રાજકારણી છે જે ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે. ગેનીબેને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે વિજય મેળવ્યો હતો. ગેનીબેને વાવ મત વિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને 6655 મતની સરસાઈ સાથે જીત મેળવી હતી. ગેની બેનને અખબારી સ્રોતો દ્વારા અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે.

બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો

બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે. બનાસકાંઠા બેઠક પર કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો આવેલા છે. ત્યારે આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. બનાસકાંઠા જિલ્લામાં કુલ નવ વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે. તેને બાદ કરતા દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર મળી સાત વિધાનસભા બેઠકો આવેલી છે. બનાસકાંઠા બેઠક ઉપર કુલ 19,53,287 મતદારો નોંધાયેલા છે. જેમાં રાજકીય તજજ્ઞો દ્વારા જ્ઞાતિ આધારિત મતદારોની યાદીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં સોથી વધુ ઠાકોર સમાજના 3,43,122 મતદારો તેમજ ચૌધરી સમાજના 2,70,950 મતદારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં વાવ બેઠક ઉપર સોથી વધુ ઠાકોર સમાજના 82,852 મતદારો, જ્યારે થરાદ બેઠક ઉપર સોથી વધુ ચૌધરી સમાજના 72,567 મતદારો હોવાનો અંદાજ છે.

બનાસકાંઠા બેઠક ઉપર ઠાકોર અને ઔધરી સમાજની સાથે અનનસૂચિત જાતિ,રબારી, અનુસૂચિત જનજાતિ, બ્રાહ્મણ અને મુસ્લિમ મતદારો પણ પ્રભુત્ત્વ ધરાવે છે. જેમાં પાલનપુર, ડીસા અને દિયોદર બેઠક ઉપર પાટીદાર સમાજનો દબદબો છે. બનાસકાંઠા બેઠક કબજે કરવા ભાજપ તેમજ ક્રોંગ્રેસ દ્વારા મોટા સમાજના મતો અંકે કરવા રાજકીય સોગઠા ગોઠવી રહ્યા છે, ત્યારે ચૂંટણીમાં મતદારોમાં ક્યા પક્ષ કે ઉમેદવારની પસંદગી કરે છે તેને લઈ લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

જ્ઞાતિ પ્રમાણે મતદારો

ઠાકોર 3,43,122
ચોધરી 2,70,950
અનુ.જાતિ 1,60,321
રબારી 1,58,005
રાજપૂત 66,497
બ્રાહ્મણ 95,610
પ્રજાપતિ 68,563
અનુ.જનજાતિ 171,632
દરબાર 71,450
મુસ્લિમ 96,242
પાટીદાર 39,345
માળી 47,635