Lumpy virus in Gujarat : પોરબંદર સહિત રાજ્યભરમાં લમ્પી વાઇરસના કારણે ગૌવંશ મોતને ભેટી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી પરોષોત્તમ રૂપાલા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને લમ્પી વાઇરસ અંગે  સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ઉદ્યોગનગર ખાતે ગૌવંશ માટે બનાવમાં આવેલા આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું.






આ તકે કેન્દ્રીય મંત્રી પરોષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પોરબંદર  સહિત રાજ્યભરમાં લમ્પી  વાયરસના ભરડામાં ગૌવંશ આવ્યો છે,  તેની સામે રાજ્ય અને કેન્દ્ર સરકાર તકેદારીના તમામ પગલાં લઈ રહી છે. પશુઓને વેકસીનેશન આપવાની કામગીરી ચાલી રહી છે.  પોરબદરમાં ગૌવંશને બચાવા માટે સામાજિક સંસ્થા આગળ આવી છે ખૂબ આવકારદાયક છે. ખાસ નેહલબેન કારાવદરા અને તેમની ટિમની કામગીરીને બિરદાવી હતી સેવાભાવી સંસ્થાના કારણે પોરબદરમાં પશુઓમાં લમ્પી વાયરસ સંક્રમણ ઘટ્યું છે અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું. પોરબંદરમાં લમ્પી  વાયરસ સામે લડવા માટે સેવાભાવી સંસ્થા આગળ આવી છે તેવો પ્રયોગ દેશ અને રાજ્ય માં પણ કરવામાં આવશે. 


વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો શંકાસ્પદ કેસ 


સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં લમ્પી  વાયરસના બે કેસો નોંધાયા હતા. હવે વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા વલસાડનું પશુપાલન વિભાગ દોડતું થયું છે. 


વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસ નો પ્રથમ સંકાસ્પદ કેસ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ભાગડાવાડા ગામમાં એક વાછરડીમાં લમ્પી વાયરસના  શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. પશુપાલન વિભાગની પશુચિકિત્સા વિભાગ ટીમે સ્થળ પર જઈને સેમ્પલ લેવા સહીતની કામગીરી કરી હતી. આ સાથે સલામતીના ભાગ રૂપે વિસ્તારના પશુઓને રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જીલ્લામાં લમ્પી નો પ્રથમ શંકાસ્પદ કેસ જોવા મળતા પશુપાલકોમાં ભય ફેલાયો છે.