ભૂજ: કચ્છ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. કચ્છમાં ધોધમાર વરસાદ વરસતા માંડવીમાં જળપ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી છે. અહીં ગઈકાલે 16 ઈંચ વરસાદ ખાબક્યો હતો.  હજુ માંડવી શહેર પાણી-પાણી છે. શહેરમાં ઠેકઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા છે. માંડવીની મુખ્ય બજાર સહિતનો વિસ્તાર જળમગ્ન  થયો છે.  માંડવીની મુખ્ય બજારમાં આજે પણ નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા. 


700થી વધુ લોકોનું સ્થળાંતર


માંડવી શહેરની આશિર્વાદ સોસાયટી અને ભૂકંપપરા વિસ્તાર જળમગ્ન થયો છે. અહીં ઘરોમાં પાણી ઘૂસી જતાં 700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.  અહીં તો કેડસમા પાણી ભરાયા છે.  માંડવીના બાબાવાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. માંડવી નગરપાલિકાની કચેરી પણ જળમગ્ન થઈ છે. પાલિકાના પાર્કિંગ અને મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 


પાલિકાની સામે આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.  ગઈકાલે જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. રાહત-બચાવની કામગીરી દરમિયાન એક બાળકી બીમાર હોવાથી તેને તાત્કાલિક સેનાની એમ્બ્યૂલન્સમાં સારવાર માટે દાખલ કરાવી હતી.  બાળકીના પરિવારને હૈયાધારણા આપી હતી. 




સેનાએ મોરચો સંભાળી લીધો


માંડવી જળબંબાકાર થતાં સેનાએ મોરચો સંભાળી લીધો છે. બે દિવસથી ફસાયેલા લોકોને સેનાના જવાનો બોટની મદદથી સુરક્ષિત સ્થળે ખસેડી રહી છે. સેનાના જવાનો સાથે મેડિકલની ટીમ પણ ખડેપગે છે.  વાવાઝોડાના સંકટ વચ્ચે અબડાસા તાલુકાના લાલા ગામમાં કેડસમા પાણી ભરાયા છે.  અબડાસાના માજરા ગામથી 5 કિલોમીટર દૂર એક ખેતરમાં પરિવારના 3 લોકો ફસાયા હતા.SDRFની ટીમે નાની બાળકી, વૃદ્ધ મહિલા સહિત ત્રણેયને રેસ્ક્યૂ કર્યા.  


કચ્છમાં ભારે વરસાદે રસ્તાઓના ભૂક્કા બોલાવી દીધા છે. ભૂજ તાલુકાના નારણપર ગામમાં મુન્દ્રા તરફનો માર્ગ તૂટી ગયો છે.  નારણપરનો માર્ગ તૂટી જતાં આસપાસના 8 ગામના લોકોને પણ હાલાકી પડી રહી છે.  વાવાઝોડાના ખતરા વચ્ચે યાત્રાધામ કોટેશ્વરમાં ભારે પવન ફૂંકાયો હતો.  કોટેશ્વરના દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. 


અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ


આજે મોન્સૂન ટ્રફ, ડીપ ડિપ્રેશન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતા વરસાદ વરસી રહ્યો છે.  45 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.   1 સપ્ટેબરથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  બંદરગાહ ઉપર LC 3 નું સિગ્નલ આપવામાં આવ્યું છે . સામાન્ય કરતા અત્યાર સુધી સીઝનનો 50 ટકા વધુ વરસાદ નોંધાયો છે.  


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ કચ્છના માંડવીમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો હતો.  છેલ્લા 24 કલાકમાં કચ્છના મુન્દ્રામાં સાડા 8 ઈંચ, દ્વારકા તાલુકામાં સાડા સાત ઈંચ,અબડાસામાં સાડા છ ઈંચ, અંજારમાં સવા ત્રણ ઈંચ, ગાંધીધામમાં અઢી ઈંચ, ભૂજમાં અઢી ઈંચ, લખતપમાં સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે.


Gujarat Rain: 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી