ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાએ જોર પરડ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈમાં એક જ દિવસમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ ધરમપુર, કપરાડા, વલસાડ પણ વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

નવસારી, વલસાડ જિલ્લાના અનેક ડેમમાં નવી નીર આવતાં પાણીની સપાટી વધી ગઈ છે. તાપી અને સુરત જિલ્લાના ઉચ્છલ, નિઝર તથા નવસારીના ખેરગામ, ચીખલી, ગણદેવીમાં 5 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.

ઉત્તર ગુજરાતમાં હારીજ, મહેસાણા, પ્રાંતિજ, માલપુરા, ધનસુરામાં બે-બે ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલીતાણા, ગારિયાધર, તળાજા, જામનગર, સિહોરમાં પણ ધીમી ધારે 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચીખલીમાંથી પસાર થતી કાવેરી અને ખરેરા નદીમાં પૂર આવ્યું હતું. એક સમયે સૂકાઈ ગયેલી કાવેરી નદીમાં નવા નીર આવતાં તે બંને કાંઠે વહેતી થઈ હતી.

વઘઈમાં - 12 ઈંચ, ધરમપુર - 5.5 ઈંચ, ખેરગામ - 5, કપરાડા - 4.5 ઈંચ, સોનગઢ - 4 ઈંચ, સાગબારા - 3.5 ઈંચ, પારડી - 2.5 ઈંચ, વલસાડ - 2 ઈંચ, વાપી - 2 ઈંચ, ગણદેવી - 2 ઈંચ, ઉચ્છલ - 2 ઈંચ, નિઝર - 2 ઈંચ, હારીજ - 2 ઈંચ અને જામનગર - 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો.