મોરબી:  મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલને વધુ એક વખત મોટો ઝટકો લાગ્યો છે.  મોરબી બ્રિજ દુર્ઘટના મામલે જયસુખ પટેલના જામીન અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પીડિતોને સહાય ચુકવના આદેશ બાદ જયસુખ પટેલે જામીન અરજી કરી હતી. જો કે  મોરબીની ડિસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટે જયસુખ પટેલની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી દીધી છે.


એક મહિના કરતા વધુ સમયથી જયસુખ પટેલ જેલમાં બંધ છે. ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં આજે જયસુખ પટેલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી.


ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા


આ પૂર્વે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના 88 દિવસ બાદ ઓરેવા ગ્રુપના MD જયસુખ પર કાયદાનો સકંજો કસાયો હતો. 135 લોકોનો ભોગ લેનાર મોરબી પુલ દુર્ઘટનાના કેસમાં જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. જે પછી મોરબી પોલીસે સેશન્સ કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં જયસુખ પટેલને આરોપી બનાવ્યા હતા.


જયસુખ પટેલના પિતા અને ભારતના “દીવાલ ઘડિયાળના પિતા” ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને ‘ઓરેવા ગ્રૂપ’ની સ્થાપના કરી હતી. આ કંપનીનું નામ તે વખતે ‘અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર’ હતું અને કંપનીમાં ઓધવજીની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી. જોકે, બાદમાં ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં ‘અજંતા કંપની’ ઓધવજીના નામે થઈ.


આ દાયકામાં ઓધવજીએ ‘ક્વાટર્ઝ ઘડિયાળ’ બનાવવાનું શરૂ કર્યું. પરિણામ એ આવ્યું કે અજંતા વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની, એટલું જ નહીં ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો.


મોરબીમાં ઝૂલતો પૂલ દુર્ઘટના


મોરબીમાં ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી  પડવાને કારણે કરૂણ મોતને ભેટ્યા  હતા.  આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો.  આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા  હતા. ત્યારે  મચ્છુ નદીમાં પડેલા  લોકોને શોધવા માટે  30 ઓક્ટોબરથી શરુ કરવામાં આવેલું સર્ચ ઓપરેશન  4 નવેમ્બરે પૂર્ણ કરવામાં આવ્યું હતું. સતત 5 દિવસ સર્ચ ઓપરેશન ચાલ્યા બાદ પૂર્ણ જાહેર કરાયું હતું.  મચ્છુ નદીમાં ડૂબી ગયેલા લોકોને બહાર કાઢવા માટે આર્મી, નેવી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત અનેક લોકો કામે લાગ્યા હતા.