અમદાવાદઃ કોરોનાને પગલે ગુજરાતમાં મૃત્યુદરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તે 6 પર પહોંચ્યો છે. આ સાથે જ દેશના 1500થી વધુ કેસ ધરાવતા ટોપ 9 રાજ્યમાં ગુજરાત મૃત્યુદરમાં પ્રથમ ક્રમે આવી ગયુ છે. દેશના કુલ મૃત્યુમાં 22 ટકાથી વધુ મોત માત્ર ગુજરાતમાં થયા છે.


ગુજરાતમાં બુધવારે વધુ 28 મોત નોંધાયા હતે અને જેમાં માત્ર અમદાવાદમાં જ 25 મોત થયા હતા. આ સાથે રાજ્યમાં મૃત્યુનો કુલ આંકડો 396 થયો છે. જેમાંથી સૌથી વધુ 298 એટલે કે 75 ટકા જેટલા મોત તો માત્ર અમદાવાદમા જ થયા છે. અમદાવાદમાં રોજે રોજ નોંધાતા વધુ મૃત્યુને લઈને ગુજરાત સમગ્ર દેશમાં હાલ બીજા ક્રમે આવી ગયુ છે. જો કે 1500થી વધુ કેસ ધરાવતા ટોપ 9 રાજ્યમાં ગુજરાત મૃત્યુદરમાં પ્રથમ ક્રમે આવી ગ્યુ છે.

ગુજરાતમાં હાલ મૃત્યુદર વધીને 6 ટકા થઈ ગયો છે અને અગાઉ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ દિલ્હી સહિતના રાજ્ય કરતા મૃત્યુદરમાં ગુજરાત પાછળ હતુ પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં મૃત્યુની સંખ્યામાં મોટો વધારો થતાં ગુજરાત પ્રથમ ક્રમે આવી ગયુ છે. ગુજરાતમાં મૃત્યુદીઠ રીકવરીનો દર 4 ટકા જેટલો છે જે અગાઉ કરતા વધ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 6 દિવસમાં મૃત્યુ વધ્યા છે. 30 એપ્રિલ બાદ એટલે કે 1લીમેથી ગુજરાતમાં રોજના 20થી વધુ મૃત્યુ નોંધાઈ રહ્યા છે અને છેલ્લા 6 દિવસમાં એટલે કે 1થી6મે સુધીમાં જ 182 મૃત્યુ થયા છે. જે મુજબ રોજના સરેરાશ 30 મોત કહી શકાય. સમગ્ર દેશમા આજના દિવસ સુધી નોંધાયેલા 1766 મૃત્યુમાં 22.40 ટકા મૃત્યુ માત્ર ગુજરાતમાં નોંધાયા છે.આમ સ્ટેટ શેરમાં ગુજરાત મહારાષ્ટ્ર બાદ બીજા નંબરે છે.