Mumbai Dayro: ગુજરાતની જાણીતી કલાકાર ગીતા રબારીનો ડાયરો ફરીથી ચર્ચામાં આવ્યો છે. ગીતા રબારીએ મુંબઇમાં તાજેતરમાં જ એક ડાયરો યોજ્યો હતો, જ્યાંથી તેની ખાસ તસવીરો સામે આવી છે. ગીતા રબારીના ડાયરામાં ફરીથી રૂપિયાનો વરસાદ વરસ્યો છે.
હાલમાં સોશ્યલ મીડિયા પર ગુજરાતી લોક ગાયક અને લોક કલાકાર ગીતા રબારીના વીડિયો અને તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તે એક ડાયરો કરી રહી છે, અને આ ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો છે. લોકો ગીતા રબારી પર રૂપિયા ઉડાવી રહ્યાં છે.
માહિતી છે કે, લોક ગાયક ગીતા રબારીનો ગઇકાલે મુંબઇના મીરા રૉડ પર ડાયરો યોજાયો હતો, આ ડાયરો ગૌશાળાના લાભાર્થે યોજવામાં આવ્યો હતો, જ્યાં લોકોએ ખોબલે ખોબલે કલાકાર ગીતા રબારી પર રૂપિયા વેર્યા હતા, લાખોની કિંમતમાં લોકોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. ખાસ વાત છે કે ગુજરાતી કલાકાર ગીતા રબારીને જોવા અને તેના ડાયરાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ દ્રશ્યો કેમેરામાં કેપ્ચર થઇ ગયા છે.
કોણ છે ગીતા રબારી?
31-12-1996ના રોજ જન્મેલી 'કચ્છી કોયલ' તરીકે જાણીતી ગીતા રબારી કચ્છના તપ્પર ગામની રહેવાસી છે. પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે. માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે બે જ ગીત ગાયા છે. રોણા શેરમા અને એકલો રબારી અને બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. આ સિવાય તેણે એક ગરબાનો આલ્બમ કર્યો છે.
કઈ રીતે કરી શરૂઆત?
મીડિયા સાથે વાત કરતાં ગીતા રબારીએ એકવાર કહ્યું હતુ કે, હું સ્કૂલમાં હતી ત્યારની ગાઉ છું. મારો અવાજ સારો હોવાથી ગામ કે આજુબાજુના ગામમાં કોઈ કાર્યક્રમ હોય મને ગાવા માટે બોલાવતા હતા. શરૂઆતમાં મને થોડાઘણા પૈસા મળી રહેતાં હતા. ધીરે-ધીરે નામના મળતી ગઈ અને હવે હું ગુજરાતના જાણીતા કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામમાં સ્ટેજ શેર કરું છું.'