Morabi Bridge collapse Update: મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મોરબી નગરપાલિકાના ૪૦થી વધુ નગરસેવકોએ નગરપાલિકા સુપરસીડ કરવા અંગે અપાયેલી નોટિસનો જવાબ આપ્યો છે. નગરસેવકોએ અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી સમક્ષ સોગંદનામા પર પોતાનો જવાબ રજૂ કર્યો હતો. ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 263(1) એક હેઠળ અપાયેલી નોટિસ વ્યાજબી નહીં હોવાનો નગરસેવકોનો દાવો છે.
કલમ 263(1) હેઠળની કાર્યવાહી માટેના ઘટકો પૂર્ણ નહીં થતાં હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના રિપોર્ટમાં પણ સમગ્ર નગરપાલિકાની બેદરકારી હોવાનું ક્યાંય સામે નથી આવ્યું તેવી રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે માત્ર પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે ઓરેવા કંપની સાથે કરાર કર્યો અને જનરલ બોર્ડની મંજૂરી પણ ના લીધી ત્યારે આવા કરાર માટે તમામ નગર સેવકો જવાબદાર ઠેરવી શકાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી.
સરકારે આપેલી નોટિસ એ રેકર્ડ પરની બાબતોને સમીક્ષા કર્યા વગરની અને આ નોટિસ સરકારી સત્તાનો દુરુપયોગ હોવાનો દાવો કરવામાં આવ્યો. નગરસેવકોએ વૈધાનિક ચૂંટણી પ્રક્રિયામાં પ્રજાએ ચૂટેલા સભ્યો છે અને કલમ 263 હેઠળ નગરપાલિકાને સુપરસીડ કરવાની જો કામગીરી કરવામાં આવે તો તે પ્રજાનો અવાજ દબાવવાની કોશિશ ગણાશે આવી કોશિશ લોકતાંત્રિક મૂલ્યની વિરુદ્ધ હોવાની પણ રજૂઆત કરવામાં આવી. નગરસેવકોએ આપેલા જવાબમાં ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટની કલમ 37 હેઠળ પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનને ગેરલાયક ઠેરવવા જોઈએ એવી પણ રજૂઆત કરવામાં આવી.
મોરબી ઝુલતા પુલના 22 કેબલ કાટવાળા હોવાથી સર્જાઇ દુર્ઘટના: SIT
મોરબી પૂલ દુર્ઘટનામાં રાજ્ય સરકારે નીમેલી ટીમ (SIT)નો પ્રાથમિક રિપોર્ટ સોપ્યો છે. આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ અનુમતિ જરૂરી હતી, જે લેવામાં નહોતી આવી. તે ઉપરાંત આ કરાર બાદ પણ જનરલ બોર્ડમાં આ અંગેની સંમતિ માટેનો મુદ્દો નહોતો મૂકવામાં આવ્યો. રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે પૂલના મુખ્ય બે કેબલમાંના એકમાં કાટ લાગી ગયો હતો અને દુર્ઘટના તાં પહેલાં જ તેના લગભગ અડધા વાયરો તૂટી ગયા હોઇ શકે પૂલનો મુખ્ય કેબલ કટાઇ જતાં તૂટી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ કેબલ બનાવવા માટે કુલ 49 વાયરને સાત સ્ટ્રેન્ડમાં એકસાથે જોડવામાં આવ્યા હતા. આ 49 વાયરોમાંથી 22 કાટવાળા હતા. જેને કારણે તે પહેલાં જ તૂટી ગયા હશે. બાકીના 27 વાયર દુર્ઘટના સમયે તૂટ્યા હોવાની શક્યતા છે.