લીમખેડા: તાલુકાના પરમારના ખાખરિયા ગામનો યુવક યુવતીને લઇને નાસી જતાં તેની રીસમાં યુવકના પિતાનું અપહરણ કરવામં આવ્યું હતું. ત્યાર બાદ સરગવાના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવા આવ્યો હતો જેમા તેમનું મોત નિપજ્યું હતું. આરોપીઓએ લાશને ગામની સીમમાં ફેંકી દીધી હતી.


આ અંગે વિગતે વાત કરીએ તો, લીમખેડા તાલુકાના ખાખરિયા ગામે એક આધેડની લાશ મળી આવી હતી જેના પીએમ રિપોર્ટમાં આ આધેડને ઢોર માર મારી હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ પોલીસે હત્યા બાબતની તપાસ કરતા આ ઘાતકી કૃત્યમાં ખીરખાઇ ગામના સરપંચ, ચૈડિયા બેઠકની જિલ્લા પંચાયતની ભાજપી સભ્ય પત્ની સહિત છ લોકોની સંડોવણી સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લીમખેડા પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લીમખેડા તાલુકાના પરમારના ખાખરિયા ગામમાં રહેતો પંકેશ નીનામા નામક યુવક 12 દિવસ અગાઉ ખીરખાઇ ગામના રયલાભાઇ ડામોરની દિકરી પાયલને પત્ની તરીકે રાખવાના ઇરાદે લઇને ભાગી ગયો હતો. આ મામલે રયલભાઇના કુંટુમ્બના ખીરખાઇ ગામના સરપંચ સરતનભાઇ ઉર્ફે કાંગા મગન ડામોર, ચૈડિયા જિલ્લા પંચાયત સીટ ઉપરથી ભાજપની જિલ્લા પંચાયતની સભ્ય અને સરતનભાઇની પત્ની ટીનાબેન ડામોર, જીજે-20-એએસ-6131 નંબરની ફોર વ્હીલ લઇને પંકેશના ઘરે ધસી ગયા હતાં. આ સાથે મણીયાભાઇ ડામોર, તેની પત્ની મથુરીબેન મોપેડ ઉપર અને પોપટ ડામોર તેમજ રયલા ડામોર પણ મોટર સાઇકલ લઇને પંકેશના ઘરે ધસી ગયા હતાં. ત્યાં હાજર તેના પિતા સુક્રમભાઇ સહિતના લોકો સાથે ગાળાગાળી કરવા ઉપરાંત મારામારી કરી હતી. 


આ સાથે સુક્રમભાઇને ધસડીને મણીયો અને મથુરીબેન તેમની મોપેડ ઉપર બેસાડીને અપહરણ કરી ગયા હતાં. ખીરખાઇ લઇ જઇને સુક્રમભાઇને સરગવાના ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમા સુક્રમભાઇનું મોત થઇ જતાં ટોળકી તેમની લાશને નીનામાના ખાખરિયા ગામમાં સીમાડા પાસે નાનસલાઇ વાળી જગ્યાએ નીલગીરીના ઝાડ નીચે પાડોળા તરફ જતાં કાચા રસ્તાની બાજુમાં ફેંકીને ફરાર થઇ ગયા હતાં. આ ઘટનાની જાણ થતાં લીમખેડા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. મૃતક સુક્રમભાઇના પૂત્ર નરેશ નીનામાની ફરિયાદના આધારે લીમખેડા પોલીસે સરપંચ, જિલ્લા પંચાયત સભ્ય સહિત છ લોકો સામે અપહરણ અને હત્યા સબંધિ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ઘાતકી હત્યાકાંડમાં સરપંચ પતી સહિત તેમની જિલ્લાપંચાયત સભ્ય પત્ની જેઓ રાજકીય વગ ધરાવનાર વ્યક્તિઓ છે તેમના નામ હત્યાકાંડમાં બહાર આવતા રાજકીય ક્ષેત્રે પણ સોપો પડી ગયો છે.