મુખ્યમંત્રી સહિત આખુ રાજ્યમંત્રીમંડળ બદલી નાંખવામાં આવ્યું છે. ત્યારે હવે ભાજપ સરકારમાં રહેલા નવા મંત્રીઓએ વાંધા-વચકા ઉઠાવવાનું શરૂ કર્યું છે. કમલમની પસંદગીના PA- PS બદલવાની માગ ઉઠી છે. કેબિનેટની બેઠકમાં મંત્રીઓએ ઉભરો ઠાલવ્યો હતો કે અમારી પસંદગીના PA- PS નિમણૂંક કરો.


રૂપાણી સરકારની વિદાય બાદ નવી સરકારમાં જેમ નો- રિપીટ થિયરી અપનાવવામાં આવી છે. તેવી જ રીતે PA- PSની નિમણૂંકોમાં પણ હવે આ જ થિયરી અમલમાં મૂકવામાં આવી છે. રૂપાણી સરકારમાં કાર્યરત એક પણ PA- PSની પુનઃ નિમણૂંક કરવામાં આવી નથી. મંત્રીઓના PA- PSમાં કમલમથી પસંદ પામેલા અધિકારીઓની જ નિમણૂંક કરવામાં આવી છે. હવે આ મુદ્દે નારાજગીના સૂર ઉઠ્યા છે.


બુધવારના મળેલી કેબિનેટ બેઠકમાં ચાર મંત્રીઓએ મુખ્યમંત્રી સમક્ષ PA- PSની નિમણૂંકને લઈને વાંધો ઉઠાવ્યો હતો. આ ચારેય મંત્રીએ એક સૂરે કહ્યું કે નવા અધિકારી સાથે સંકલન સધાતુ નથી. નવા અધિકારીઓ સાથે અસહજતા અનુભવાય છે. જેથી પ્રજાલક્ષી કામો કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. આ જોતા અમારી પસંદગીના PA- PSની નિમણૂંક કરો. આ ચર્ચાનો દૌર શરૂ થતા એક સિનિયર મંત્રી મધ્યસ્થી બન્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.


પૂર્વ મંજૂરી વિના નિવૃત્ત અધિકારીની નિમણૂક નહીં


સરકારની પૂર્વ મંજૂરી વગર કેટલાક વિભાગોએ નિવૃત્ત સરકારી અધિકારીની આઉટસોર્સિંગથી નિમણૂક કરી છે. જેને લઈ સામાન્ય વહીવટ વિભાગે દર્શાવી છે નારાજગી. સૂચના છતાં પૂર્વ મંજૂરી વિના નિવૃત્ત સરકારી અધિકારી કે કર્મચારીની નિમણૂક કરાતા સામાન્ય વહીવટ વિભાગે આદેશ કર્યો કે આવી તમામ નિમણૂક તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવે.


એટલું જ નહીં નિવૃત્ત સરકારી અધિકારીની લીધેલી સેવાઓ અંગે દર 3 મહિને સામાન્ય વહીવટ વિભાગને રિપોર્ટ આપવા પણ દરેક વિભાગોને સૂચના અપાઈ છે. જો સૂચનાનું પાલન નહીં થાય તો જવાબદાર અધિકારી સામે પગલા પણ લેવાશે.