કેશોદ:  મા ભોમની જીવનભર રક્ષા કરી ગુજરાતને ગૌરવ અપાવનાર સેનાના એક ઉચ્ચ અધિકારીની સેના નિવૃતિ પર આખા ગુજરાતને ગૌરવ છે. જૂનાગઢના સોંદરડાના વતની એવા નિરવસિંહજી રાયજાદા ભારતીય સેનામાં બ્રિગેડિયર તરીકે સેવા આપી નિવૃત થયા છે.  વર્ષો સુધી દેશની સેનામાં મહત્વની જવાબદારીઓ નિભાવી રાષ્ટ્ર સેવાનું એક અધ્યાય પૂર્ણ કરી નિવૃત થનારા રાયજાદાજીનું સમગ્ર વિસ્તારે ભવ્ય સ્વાગત કર્યુ છે. 


ભારત માતા કી જયના નારાથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો


કેશોદના પાન દેવ લેઉવા પાટીદાર સમાજથી સોંદરડા સુધીની રેલીમાં અનેક ઠેકાણે નિરવસિંહજીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.  ભારત માતા કી જયના નારાથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.  આ જમીનમાં રમીને ઉછરી સેનામાં સામેલ થઈ દુશ્મનોના દાંત ખાંટા કરનાર નિરવસિંહજી રાયજાદાની સેવા પર સમગ્ર ગુજરાતે  ગર્વની લાગણી વ્યક્ત કરી છે.  




30 નવેમ્બર 2024 ના રોજ આર્મીમાંથી નિવૃત થયા


સોંદરડાના વતની બ્રિગેડિયર નિરવકુમાર કૃષ્ણસિંહ  30 નવેમ્બર 2024 ના રોજ આર્મીમાંથી નિવૃત થયા બાદ આજે વતન આવી પહોંચ્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 


કાર રેલી સ્વરૂપે તેમના વતન સોંદરડા પહોંચ્યા


કેશોદથી બાઈક તેમજ કાર રેલી સ્વરૂપે તેમના વતન સોંદરડા પહોંચ્યા હતા.  જ્યાં સમસ્ત ગામે અને રાયજાદા રાજપૂત સમાજે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.   નીરવ સિંહે 35 વર્ષ પહેલા ભારતીય સેનામાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે શરૂઆત કરી બ્રિગેડિયર સુધી પહોંચી તેઓ 30 નવેમ્બર 2024 ના રોજ નિવૃત થયા હતા.  તેમણે સૈનિક સ્કૂલ બાલાચડીમાંથી શિક્ષણ લીધું હતું અને ત્યારબાદ નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા ત્રણ વર્ષ ટ્રેનિંગ કર્યા બાદ તેમણે ઇન્ડિયન મિલેટ્રી એકેડમી દેહરાદુનમાં એક વર્ષ ટ્રેનિંગ લીધી હતી.  તેઓએ ધાંગધ્રાથી સેકન્ડ લેફ્ટનન્ટ તરીકેની શરૂઆત કરી આજે ભોપાલ ખાતે એસએસબી ઇન્ટરવ્યૂના બોર્ડ પ્રેસિડેન્ટ તરીકે 30 નવેમ્બરના રોજ નિવૃત્તિ થયા હતા.




35 વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન તેમણે દેશની અલગ-અલગ બોર્ડર ઉપર ફરજ બજાવી છે.  જેમાં સિયાચીન ગ્લેસીયર,  જમ્મુ અને કશ્મીર તેમજ સિક્કિમ બોર્ડરનો સમાવેશ થાય છે.  નિરવસિંહજીએ પોતાની કારકિર્દી દરમિયાન અનેક મેડલ મેળવ્યા છે.  જેમાં ચીફ ઓફ આર્મી સ્ટાફ કમન્ડેશન કાર્ડ અને કમાન્ડર ઇન ચીફ સ્ટ્રેટેજીક ફોર્સેસ કમાંડ કમન્ડેશન કાર્ડ મેળવ્યા છે.




રાજસ્થાનના પીલાનીમાં જ્યારે તેઓ ફરજ બજાવતા હતા ત્યારે તેમના નામનો બ્રિગેડિયર રાયજાદા રોડનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું.  આર્મીમાં ચાલુ ફરજ બજાવતા કોઈ વ્યક્તિના નામે  રોડનું નામકરણ કરવામાં આવ્યું હોય  તેવો આ પ્રથમ બનાવ હતો.