અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ નિમાયા બાદ પહેલી વાર ગુજરાત આવેલાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ આજે મંગળવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવ્યાં હતાં. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત ગુજરાત આવેલાં ડો. ભારતીબેન શિયાળને આવકારવા ભાજપ સંગઠનમાંથી કોઈ મહત્વના હોદ્દેદાર હાજર નહોતા રહ્યા કે ભાજપ સરકારમાંથી પણ કોઈ મંત્રી હાજર નહોતા રહ્યા.


ભાજપના નેતાઓમાંથી મહેશ કસવાલા અને આત્મારામ પરમાર એ બે નેતા હાજર હતા. મહેશ કસવાલા ગુજરાત ભાજપમાં ઈલેક્શન મેનેજમેન્ટ સેલના નેતા છે અને ભાદપના પહેલી હરોળના નેતાઓમાં તેમની ગણતરી થતી નથી. આત્મારામ પરમાર ભૂતપૂર્વ મંત્રી છે. ગુજરાતમાં 8 વિધાનસબા બેઠકોની પેટાચૂંટણી છે. આ પૈકી એક બેઠક ગઢડાની છે. આત્મારામ પરમારને આ બેઠકની ટિકિટ જોઈતી હોવાથી તે ડો. ભારતીબેનને આવકારવા એરપોર્ટ પર પહોંચ્યા હોવાની ચર્ચા ભાજપનાં વર્તુળોમાં ચાલી હતી. ડો. ભારતીબેન એરપોર્ટથી રવાના થયા હતાં અને બાવળા, બગોદરા અને ધંધુકામાં કાર્યક્રમમાં હાજરી આપવાનાં છે.