જામનગરઃ ગુજરાતમાં ‘ઓમિક્રોન’ વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ‘ઓમિક્રોન’નો પ્રથમ કેસ ગુજરાતમાં નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષના વૃધ્ધને ‘ઓમિક્રોન’ વાયરસનો ચેપ લાગતાં આ વૃધ્ધ કોરોનો પોઝિટિવ આવ્યા છે.


આ વૃધ્ધના કિસ્સામાં ચોંકાવનારી વાત એ છે કે, તેમણે રસીના બંને ડોઝ લીધા હતા છતાં તેમને ‘ઓમિક્રોન’નો ચેપ લાગ્યો અને કોરોના થયો છે. આ વૃધ્ધે ચાઇનીઝ રસી સાઇનોવેક્સના બન્ને ડોઝ લીધા હતા તેથી ચાઈનીઝ રસી લેતાં પહેલાં લોકોએ ચેતવા જેવું છે. ભારતમાં આ રસી માન્ય નથી પણ વિદેશમાં રહેતાં ગુજરાતીઓએ પોતાનાં સગાંને આ મુદ્દે ચેતવવાં જોઈએ. આ વૃધ્ધના સેમ્પલ પૂણે મોકલાયા હતા અને તે ઓમિક્રોન પોઝિટિવ હોવાનું શનિવારે કન્ફર્મ થયું હતું.


ઝિમ્બાબ્વેથી 28 નવેમ્બરે જામનગર આવેલા 72 વર્ષીય વૃદ્ધને 29 નવેમ્બર શરદી અને ખાંસીના લક્ષણો હોવાથી તેમણે ખાનગી લેબોરેટરીમાં પોતાનો કોરોનાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેઓ આફ્રિકાથી આવ્યા હોવાથી સેમ્પલ્સ પુણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી સેન્ટરમાં મોકલાયા હતાં. આ સેમ્પલનો રિપોર્ટ શનિવારે પોઝિટિવ આવતા ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો.


આ અંગે જામનગર જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘીએ કહ્યું કે, આ વૃધ્ધ વિદેશથી આવ્યા તેના બીજા જ દિવસથી આઇસોલેટ કરાયા હતા.  ઝિમ્બાબ્વેથી જામનગર મોરકંડા રોડ પર ગત  28 નવેમ્બરના રોજ પોતાન સાસરે આવેલા વૃધ્ધને શરદી, ઉધરસ હોવાથી તે આવ્યા ત્યારથી ડેન્ટલ હોસ્પિટલમાં આઇસોલેશનમાં રખાયા છે અને તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવ્યા છે.