અમદાવાદઃ દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં આવેલા એક સ્ટોરમાં અશ્વેતોએ લૂંટના ઈરાદે ગત છઠ્ઠી જાન્યુઆરીએ ફાયરીંગ કર્યું હતું. જેમાં આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા સ્થિત ઓડ ગામના 26 વર્ષીય યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. જેનું સારવાર દરમિયાન મંગળવારે મોત નીપજ્યું હતું. ઉમરેઠના ઓડ ગામમાં રહેતા રવિકુમાર જશભાઈ પટેલ છેલ્લાં ચાર વર્ષથી દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં સ્થાયી થયો હતો. તે તેના સંબંધી પરેશભાઈની જ્હોનિસબર્ગ સ્થિત સનસીટી એરિયા પર આવેલા સ્ટોરમાં નોકરી કરતો હતો. ગત છઠ્ઠી જાન્યુઆરીના રોજ તે સ્ટોર પર હાજર હતો.
રવિ સ્ટોરમાં હતો ત્યારે ત્યાં કેટલાક લૂંટારુંઓ આવ્યા હતા, જેઓએ રવિને ગોળી મારી હતી. આ ગટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા રવિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ આણંદમાં રહેતાં રવિના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તથા ઝડપથી રવિના મૃતદેહને વતન પરત લાવવામાં આવે તે માટે પ્રયાસો શરૂ કર્યા હતા.