રાજકોટ ખાતેથી ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, સરકારના પરિપત્રને લઈને ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ છે. આખા રાજ્યની 6 હજાર સ્કુલોમાં ઓનલાઈન શિક્ષણ બંધ રહેશે.
ખાનગી શાળા સંચાલકોનું કહેવું છે કે,સક્ષમ વાલીઓએ પણ ફી ભરી નથી.. તેમ છતાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપ્યું. શિક્ષકો અને સ્ટાફને પગાર આપ્યો. અને સરકારને સહયોગ પણ આપ્યો. તેમ છતાં હવે સરકાર જો એવું કહેતી હોય કે, ઓનલાઈન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ છે જ નહીં. તો પછી અમે શા માટે ઓનલાઈન શિક્ષણ આપીએ.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષણ વિભાગે ઓનલાઈન શિક્ષણ અને ફીને લઈ મહત્વનો ઠરાવ કર્યો છે. જેમાં શાળાઓ બંધ હશે તે સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની ટ્યુશન ફી વસૂલી શકાશે નહીં. સાથે જ વર્ષ 2020-21માં કોઈ ફી વધારો પણ નહીં કરી શકાશે અને હાઈકોર્ટના આદેશ મુજબ 30 જૂન 2020 સુધીમાં ફી ન ભરનાર વિદ્યાર્થીને શાળાઓમાંથી દૂર નહીં કરી શકાય ઠારવામાં સ્વનિર્ભર શાળાઓને પણ ટકોર કરાઈ છે કે, શિક્ષણનો મુખ્ય હેતુ નફાખોરી ન હોવો જોઈએ અને ફી ભરવા વાલીઓ પર થતા દબાણ અને શૈક્ષણિક કર્મચારીઓના વેતન પર કાપની ઘટનાઓની ગંભીર નોંધ લેવાઈ છે.
હાલ શાળાઓ બંધ હોય ઈત્તર પ્રવૃતિની ફી પણ વસૂલ કરી શકાશે નહીં. જો કોઈ વાલીએ આ ફી ભરી હોય તો તેને શાળા શરૂ થાય ત્યારે સરભર કરી આપવાની રહેશે. આ ઉપરાંત જો કોઈ વાલીએ એડવાન્સ ફી ભરી હોય તો તેવા વાલીને શાળાએ આગામી સમયમાં લેવાની થતી ફી સામે વધારાની રકમ સરભર કરી આપવાની રહેશે.