અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેને કારણે ગુજરાતીઓએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં દરેક વિસ્તારોમાં 44 ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું છે.

હાલ ચારેતરફ ગરમીનો માહોલ છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. બીજી બાજુ તાપી જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો જેમાં જુનાગઢમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતાં.

વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો હતો. પારડી અને તેની આસપાસના વિસ્તારમાં હળવો વરસાદ પ્યો હતો. જેને કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગરમીમાં વરસાદ પડતાં જ લોકોને બફારાથી આંશિક રાહત મળી હતી, બીજી તરફ વરસાદ પડતાં કેરીના પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને છે.

તાપી જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો જોવા મળ્યો છે. અતિશય ગરમીથી વાતાવરણમાં સામાન્ય રાહત મળતા લોકોને આંશિક રાહત મળી છે. સવારથી વરસાદી વાતાવરણને કારણે વરસાદની રાહ જોતા ખેડૂતોને પણ આશા બંધાઈ છે.