અમરેલી: 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નેતાઓને વિધાનસભામાં ભાજપ ટિકીટ આપી શકે છે. અમરેલીમાં કેંદ્રીયમંત્રી પરસોતમ રૂપાલાના સન્માન સમારોહ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું કે 60 વર્ષથી વધુ ઉમરનાને ટિકિટ નહીં આપવાનું તે માત્ર પંચાયતોની ચૂંટણી માટે મર્યાદિત રહેશે. ભાજપના સંગઠનની તાકાત સામે આપે બિસ્તરા પોટલા બાંધ્યા હોવાનો પાટીલે દાવો કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ ધમધોકાર પ્રચાર અને સંગઠનનું કાર્ય શરુ કરી દેવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જન આશિર્વાદ યાત્રા શરુ કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી અંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓએ ચૂંટણી લડવા માટે ટીકીટ નહીં આપવાનો નિર્ણય માત્ર નગરપાલિકા-મહાનગરપાલિકાઓની ચૂંટણીઓ પૂરતો જ મર્યાદિત હતો અને આ સિદ્ધાંત ધારાસભ્યોને લાગુ પડતો નથી.
મીડિયા અહેવાલો મુજબ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને એવી ચર્ચા શરુ થઈ હતી કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને શું ટીકીટ મળશે ? અત્રે નોધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ ઉંમરના ઉમેદવારો અને જેઓ બેથી ત્રણ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂક્યા હતા તેવા તમામની ટીકીટ કાપી નાંખવામાં આવી હતી અને સંપૂર્ણપણ નવા ચહેરાઓ પર પસંદગી કરવામાં આવી હતી. જેને લઈને ધારાસભ્યો પણ મૂંઝવણમાં હતા કે શું અમારા પત્તા કપાશે કે પછી ટિકિટ મળશે.
ગુજરાત સરકારે ઓબીસીમાં નવી જ્ઞાતિઓના સમાવેશ મુદ્દે લીધો શું મોટો નિર્ણય ?
અમદાવાદ : કેન્દ્ર સરકારે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની યાદીમાં નવી જ્ઞાતિઓનો સમાવેશ કરવા અંગેની સત્તા રાજ્ય સરકારોને આપતું આ બિલ પાસ થઈ જતાં હવે ઓબીસીમાં કઇ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે રાજ્ય સરકારોને સત્તા મળી ગઈ છે. તેના પગલે ગુજરાત સરકારની ઓબીસીમાં કઈ કઈ જ્ઞાાતિનો સમાવેશ કરવો તે અંગે નિર્ણય લેવા ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક પંચની રચના કરશે. કેન્દ્ર સરકારના આદેશ મુજબ રાજ્ય સરકાર ટૂંકમાં જ એક પંચ નિમશે કે જે ગુજરાતમાં કઇ જ્ઞાાતિનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે તે અંગે નિર્ણય લેશે. જન આશિર્વાદ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાએ આ વાતને સમર્થન આપ્યું છે.
ગુજરાતમાં અત્યારે ઓબીસીમાં 146 જ્ઞાતિનો સમાવેશ કરાયો છે. આ સિવાય બીજી કઈ કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવો તેનો નિર્ણય આ પંચ લેશે. ગુજરાતમાં કઇ જ્ઞાતિ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત છે તે અંગે રાજ્ય સરકારના આદેશ બાદ આ પંચ દ્વારા અભ્યાસ કરાશે. જે જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવાની ભલામણ કરાઈ હશે તે જ્ઞાાતિ વાસ્તવિક રીતે પછાત છે તેવુ સાબિત થયા બાદ તેનો ઓબીસીમાં સમાવેશ થઇ શકશે.
રાજ્ય સરકાર માટે આ મુદ્દો માથાનો દુઃખાવો બની શકે છે. 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી વખતે જ આ સળગતો મુદ્દો ભાજપ સરકારને રાજકીય રીતે દઝાડી શકે છે. એક બાજુ, પાટીદારો ઓબીસીમાં સમાવવા તલપાપડ બન્યા છે તો બીજી બાજુ, ઓબીસી જ્ઞાાતિઓ વિરોધ કરવાની તૈયારીમાં છે. આ જોતાં ભાજપ સરકાર માટે પાટીદારોને સાચવવામાં કયાંક ઓબીસી જ્ઞાતિ નારાજ ન થાય તેની ભિતી સરકારને સતાવી રહી છે.
ગુજરાતમાં પાટીદાર સહિતની જ્ઞાતિઓ ઓબીસી અનામતની માગણી કરી રહી છે પણ પાટીદારોને અનામત અપાવવી ભાજપ સરકાર માટે પડકાર સમાન છે. હવે અન્ય જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવી પણ સરકાર માટે પડકારરૂપ બનશે. અન્ય જ્ઞાતિઓનો સમાવેશ કરાશે તો ભાજપ સરકારને ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓની નારાજગી વ્હોરવી પડે તેમ છે. તેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મુકસાન થઈ શકે છે. હાલમાં રાજ્યમાં 146 જ્ઞાતિનાં એટલે કુલ વસતીના 48 ટકા લોકો ઓબીસીનો દરજ્જો ધરાવે છે.