રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આગામી 5 દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. આ આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે. હવામાનના મતે 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા ભારે ઝાપટા વરસશે. હાલમાં ભારે વરસાદ આવે એવી એકેય સિસ્ટમ ઉદભવી નથી. અમદાવાદ શહેરમાં પણ વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં આજ સુધી હજુ 46 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધી હવાનું હળવું દબાણ ઉત્તર તરફ ફંટાતું રહ્યું છે.
તાપી જિલ્લાના વ્યારામાં ધોધમાર વરસાદ શરુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે બપોરના સમયે તાપી જિલ્લાના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદની શરુઆત થઈ હતી. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે.
રાજ્યના 207 જળાશયોમાં 47.75 ટકા પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં 45.51 ટકા જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં માત્ર 23.97 ટકા પાણીનો જથ્થો છે.
હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટરે કહ્યું કે, 24 કલાક દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં છુટા છવાયા ભારે ઝાપટા પડી શકે છે. મહત્વનું છે કે ગુજરાતમાં હજુ સુધી અડધુ ચોમાસુ જતું રહ્યું છે પરંતુ વરસાદની ઘટ છે. ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવેતર કરી લીધું હતું પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા ખેડૂતો પાક બચાવવા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. તો બીજીતરફ સરકારે ખેડૂતોને પાણી આપવાની પણ જાહેરાત કરી છે.
આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે રાજ્યમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. નર્મદા ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો છે. તો સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40 ટકા જેટલો પાણીનો જથ્થો છે. તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60 ટકા જેટલો પાણીનો જથ્થો છે. મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો 17 ડેમોમાં 42 ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં અત્યાર સુધી 46 ટકા વરસાદની ઘટ છે.